ભુજ – કચ્છ, 25 જુલાઇ, (હિ.સ.) : ખેતી, પશુપાલન અને ટ્રાન્સપોર્ટેશનનો મુખ્ય વ્યવસાય ધરાવતા કચ્છમાં દર વર્ષે દોઢ લાખ હેક્ટર જમીન ખેડાયા વગરની રહે છે. કચ્છમાં ખેતી એ રોજગારીનો મુખ્ય વ્યવસાય હોવા છતાં આ જિલ્લામાં એક દાયકા દરમિયાન ખેતીલાયક જમીનનો વિસ્તાર વધવાના બદલે સતત ઘટયો છે. એક દાયકા પૂર્વે કચ્છમાં ખેતીલાયક જમીનનો વિસ્તાર આઠ લાખ હેક્ટરથી વધુ હતો, જે હવે ઘટીને સાડા સાત હેક્ટરે પહોંચ્યો છે. દર વર્ષે બેથી અઢી કરોડ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવાવા લાગી હોવાનું સત્તાવાર આંકડાઓમાં જાણવા મળ્યું છે.
અનિયમિત વરસાદ પણ ખેતીને નુકસાનકારક
જિલ્લામાં વીતેલા દાયકામાં ખેતીલાયક જમીનના વિસ્તારમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. બાગાયત અને પ્રાકૃતિક ખેતીમાં કાઠું કાઢતા આ સરહદી જિલ્લા માટે આ આંકડો ચોક્કસથી ચોંકાવનારો હોવાનું જાણકારો કહી રહ્યા છે. જાણકારોના કહેવા મુજબ અનિયમિત અને અપ્રમાણસર વરસાદથી ખેતીને સતત નુકસાન થતું હોવાની ધારણા છે. કચ્છમાં વરસાદનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી ચોક્કસથી વધ્યું છે, પણ વરસાદ અનિયમિત અને અપ્રમાણસર પડતો હોવાથી ખેતીને નુકસાન થઈ રહ્યું છે.
ભૂગર્ભજળની ગુણવત્તાના પણ સવાલ
ખેતી ક્ષેત્રના તજજ્ઞોના જણાવ્યાનુસાર ભૂર્ગભ જળની નબળી ગુણવત્તા, ભેળસેળયુક્ત બિયારણનો ઉપયોગ સહિતનાં કારણે ખેતીલક્ષી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. આ કારણે જગતના તાતને કિંમતી ખેતીની જમીનો વેચવાનો વારો આવી રહ્યો છે. કચ્છમાં જે તાલુકા ગ્રીન બેલ્ટ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે એવા તાલુકાઓમાં જમીનો બિનખેતી થવાનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે.
ઔદ્યોગિક અને રહેણાક જરૂરિયાતના લીધે એનએમાં વધારો
કલેક્ટર કચેરીમાંથી સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર દર વર્ષે બેથી અઢી કરોડ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવાઈ રહી છે. કચ્છમાં ઔદ્યોગિક અને રહેણાક પ્રવૃત્તિના વધેલા ધમધમાટનાં કારણે જમીનો બિનખેતી થવાનું પ્રમાણ ઉલ્લેખનીય રીતે વધ્યું છે. ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતરનો બેફામ વપરાશ, દવાનો જરૂરિયાત કરતાં વધુ છંટકાવ સહિતના લીધે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ત્યારે કચ્છમાં પ્રાકૃતિક ખેતીને હજુ વધુ વેગ મળે તે જરૂરી બની ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA