ભુજ – કચ્છ, 26 જુલાઇ (હિ.સ.) તાજેતરમાં કચ્છ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મળેલી બેઠકમાં કચ્છમાં સામાન્ય ભરતીની સાથે જ સત્વરે કચ્છમાં શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ હતી. સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલી શિક્ષકોની સામાન્ય ભરતી સાથે જ કચ્છમાંયે ભરતી કરવા માંગ કરવામાં આવી હતી, તો 36 શાળા તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો, સાથેસાથે 1200 શાળા પૈકી 350નો સર્વે થયો છે તેમાંથી તોડવાલાયક વર્ગ ખંડોની યાદી મેળવી તાત્કાલિક આ વર્ગખંડોને તોડી પાડવા સમિતિએ નિર્ણય કર્યો હતો.
સરકારના નવા પરિપત્ર મુજબ તોડી શકાશે?
સમિતિની બેઠક દરમિયાન લખપતના જુણાચાયમાં ધો. 6થી8ના વર્ગ વધારો કરવા, અબડાસાના કોઠારાની શાળાનું અધુરું કામ પૂર્ણ કરવા સહિતના ઠરાવો કરાયા હતા. તો સરકારના નવા પરિપત્ર મુજબ ઓરડા તોડી પાડવા અગાઉ નાયબ કાર્યપાલક ઈજનેર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતની સમિતિના અભિપ્રાય બાદ જ તોડવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.
સમારકામ કરવા લાયક છતાં તોડી પાડવાનો આદેશ?
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલીક શાળાઓ રિપેર લાયક હોવા છતાં તેને તોડી પાડવાની દરખાસ્તો કરવામાં આવતી હતી, જેને પગલે સરકારે પરિપત્ર બહાર પાડી ઉપરોક્ત સમિતિના અભિપ્રાય બાદ જ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાથમિક શિક્ષકોના મંજૂર મહેકમ સામે હાલ 3496ની ઘટ
કચ્છમાં શિક્ષકોના 9496ના મંજૂર મહેકમ સામે હાલ 3496ની ઘટ છે, તેમાંય 1200 જેટલા જિલ્લાફેર બદલીવાળા શિક્ષક છૂટા કરવાના બાકી છે, તો 600 જેટલા જ્ઞાન સહાયક ફરજ બજાવી રહ્યા છે, ત્યારે કચ્છમાં આટલી મોટી ઘટ સામે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે, ત્યારે તાત્કાલિક ભરતીપ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરવામાં આવી હતી. બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, કેશવજીભાઈ રોશિયા, ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા, ઉમેશ રૂગાણી, ગંગાબેન સેંધાણી સહિતના કચેરીના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA