મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) :મેઘરજ નગરમાં આજે ગ્રા પંચાયત દ્વારા મોટાપાયે દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોડાસા-મેઘરજ-ઉન્ડવા રોડ ઉપર આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે નાગરિકો અને વાહનચાલકો માટે લાંબા સમયથી મુશ્કેલીનો વિષય બન્યા હતા.તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપાદિત કરેલ સરકારી જમીન પર દબાણો થયા હતા, જેના કારણે રસ્તા સંકૂચાઈ ગયા હતા અને ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હતો. આને લઇને ગ્રા પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
દબાણ હટાવવાની સમગ્ર કામગીરી મેઘરજ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી. દબાણ હટાવ્યા બાદ રસ્તાઓ ફરીથી ખુલ્લા થતા લોકોને આશ્વાસન મળ્યું છે અને આવનારા દિવસોમાં માર્ગ પર વાહનવ્યવહાર સરળ બનશે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.તંત્રના જણાવ્યા અનુસાર, આવી દબાણ હટાવવાની કાર્યવાહી આવનારા સમયમાં પણ સતત ચાલશે, જેથી જાહેર માર્ગો પર અવરોધ ન સર્જાય અને નાગરિકોને સરળતાથી અવરજવ શક્ય બને. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્રના પગલાની સરાહના કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ