પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં નેશનલ વાયરલ હેપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ (NVHCP) અંતર્ગત 21થી 28 જુલાઈ, 2025 દરમિયાન વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જનજાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી તથા NVHCPના નોડલ ઓફિસર વિષ્ણુ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
જિલ્લા ટીબી ઓફિસર અને NVHCPના સબ નોડલ ઓફિસર ડૉ. દેવેન્દ્ર પરમાર અને ટ્રીટમેન્ટ નોડલ ઓફિસર ડૉ. ભૂમિકાબેન પટેલ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. 25 જુલાઈ, 2025ના રોજ જી.એમ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સગર્ભા માતાઓ માટે હેપેટાઇટિસ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં ડૉ. ભૂમિકાબેન પટેલ અને કાઉન્સેલર મહેશકુમાર ઝાલાએ હેપેટાઇટિસના કારણો, લક્ષણો, નિવારણ અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું.
એ જ દિવસે સાંજે મેડિસિન ઓ.પી.ડી.માં હોસ્પિટલના સ્ટાફ અને ઇન્ટર્ન ડોક્ટર્સને પણ હેપેટાઇટિસ અંગે માહિતી આપવામાં આવી તેમજ રસીકરણની મહત્તા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હેપેટાઇટિસ અંગે જાગૃતિ ફેલાવવાનો, રોગનો પ્રસાર અટકાવવાનો અને સ્વાસ્થ્ય અંગે સમાજમાં જવાબદારી ઉભી કરવાની છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર