પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત 9173 વિદ્યાર્થિનીઓને રૂ.1,07,00,250 રૂપિયા એટલે કે એક કરોડથી વધુની આર્થિક સહાયનો લાભ અપાયો છે. રાજ્ય સરકારની આ કલ્યાણકારી યોજનાથી ડ્રોપ આઉટનો રેશિયો ઘટ્યો છે, ત્યારે કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે. વિદ્યાર્થિનીઓ અધવચ્ચે શિક્ષણ છોડ્યા વગર ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે કુલ 50,000ની સહાય ખૂબ જ ઉપયોગી નિવડી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે, ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટનો રેશીયો ઘટે તે માટે નમો લક્ષ્મી યોજના કલ્યાણકારી સાબિત થઈ છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દશકામાં અનેક સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. ભારત સરકારની નવી શિક્ષણ નીતિ 2020માં સમાન અને સર્વસમાવેશક શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આ સાથે વ્યવસાયિક શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ સાથે ખાસ દીકરીઓ શિક્ષિત બને તે માટે ની કેન્દ્ર -રાજ્ય સરકારની યોજનાઓ પણ મહત્વપૂર્ણ રહી છે. તેવી જ એક નમો લક્ષ્મી યોજના છે. પોરબંદર જિલ્લામાં ‘નમો લક્ષ્મી યોજના’ અન્વયે વર્ષ 2024-25માં 9173 થી વિદ્યાર્થિનીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી શિક્ષણમાં આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી વિનોદભાઈ પરમારના જણાવ્યા મુજબ વર્ષ 2024 માં ગુજરાત સરકાર દ્વારા લક્ષ્મી સ્વરૂપા લાડલી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટે ‘નમો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે. રાજ્યમાં દીકરીઓ ધોરણ 8 બાદ શાળાકીય શિક્ષાથી વંચિત ન રહે ઉપરાંત ધોરણ 9માં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. આ યોજના અન્વયે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી કિશોરીઓને રૂ. 20,000ની આર્થિક શિક્ષા સહાય પુરી પાડવામાં આવે છે. ઉપરાંત ધોરણ 11 અને 12 માટે કુલ રૂ. 30,000ની સહાય આપવામાં આવે છે. આમ, વિદ્યાર્થિની ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ મળીને રૂ. 50 હજારની સહાય ચૂકવવામાં આવે છે. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને લાભ મળવાપાત્ર છે. અહીં એ વાત ખાસ ધ્યાને લેવાની રહે કે, આ લાભ માત્ર એ પરિવારની દીકરીઓને મળવાપાત્ર છે જેમની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી છે. રાજ્ય સરકારની કલ્યાણ કરી નમો લક્ષ્મી યોજના અંગે જાણીતા શિક્ષણવિદ ડો. એ. આર. ભરડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ સહિતની શિક્ષણલક્ષી યોજનાઓના લીધે હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની દીકરીઓ પણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરી શકશે અને સશક્ત બની શકશે. આ યોજનાથી મળતી આર્થિક સહાયના કારણે અભ્યાસમાં કોઈપણ પ્રકારની વસ્તુની જરૂરિયાત હોય તેને સંતોષવાની સાથે દીકરીઓ પોષણયુક્ત આહાર સરળતાથી મેળવી શકશે, જેથી કરીને તે શારીરિક રીતે મજબૂત બનવાથી અભ્યાસની અંદર તેમની એકાગ્રતા વધશે.મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી માહી અપારનાથી નામની વિદ્યાર્થીનીએ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો હોવા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ખાતામાં પૈસા જમા થતા હોવાથી માત્ર અમોના જ નહીં પરંતુ નાના ભાઈ બહેનના પુસ્તકો અને પોષણયુક્ત નાસ્તો ખરીદી શકીએ છીએ. વિશેષમાં 85% થી વધુ હાજરી હોય તેમને આ યોજનાનો લાભ મળતો હોવાથી વિદ્યાર્થીની બહેનો નિયમિત સ્કૂલે આવતા થયા હોવાના કારણે તેમની શૈક્ષણિક ઋચિ વધતા શૈક્ષણિક ક્ષેત્રે પણ આ યોજના ખૂબ લાભદાયક નિવડી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya