ભુજ – કચ્છ, 26 જુલાઇ (હિ.સ.) : રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના એમ કુલ્લ રૂા. 7,15,000ની મતાનો હાથ માર્યો હતો.
પરિવાર પોતાના ગામ કીડિયાનગર ગયો હતો
રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં બજરંગ વોટર સપ્લાયની પાછળ રહેતા મૂળ કિડીયાનગરના બળદેવ ગણેશ વીઠીયા (રાજપુત)ના મકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો. સી.સી. ટી.વી. કેમેરા લગાવવા, રીપેરીંગ કરવાની હરસિધ્ધિ નામની દુકાન ચલાવતા આ યુવાનનો પરિવાર શનિવાર-રવિવાર હોવાથી ગામ કિડીયાનગર ગયો હતો.
દરવાજાના લોક તૂટેલા જોવા મળ્યા
તા. 21-7ના પણ તેમનો પરિવાર ગામડે રોકાઇ રહ્યો હતો. ત્યારે આ ફરિયાદી ત્યાંથી દુકાને આવી અયોધ્યાપુરી પોતાના ઘરે આંટો મારી પરત કિડીયાનગર ગયો હતો. તા. 22-7ના પરત રાપર આવી આ ભોગ બનનાર યુવાન સવારે પોતાના ઘરે આવતા બહારના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. અંદર જતાં અંદરના દરવાજાનો ઇન્ટરલોક પણ તૂટેલું જણાયું હતું.
દાગીના સહિતની માતબર રકમની ચોરી
ફરિયાદીએ ત્યારે મિત્રને ફોન કરી પોલીસના નંબર મેળવી પોલીસને જાણ કરી હતી બાદમાં ઘરમાં જતા મંદિર નીચેના બે કબાટના તાળા તૂટેલા જણાયા હતા. અને સરસામાન વેર વિખેર હતો તેમજ અંદરના રૂમમાં આવેલું કબાટ પણ તૂટેલું જણાયું હતું. આ કબાટમાં રાખેલા રોકડ રૂા. 1,90,000 તથા સાડા ચાર તોલાનું સોનાનું મંગળ સુત્ર, દોઢ તોલાની સોનાની ચેઇન, ત્રણ ગ્રામનું સોનાનો પારો, 250 ગ્રામના ચાંદીના બે જોડ સાંકડા, મળીને કુલ્લ રૂા. 7,15,000ની મતા ઉસેડીને નિશાચરો લઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA