પાટણ, 26 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-2015ના અસરકારક અમલીકરણ માટે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ત્રણ મહત્વપૂર્ણ સંકલન બેઠકોનું આયોજન પાટણ જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં જિલ્લા મફત કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી, જિલ્લા વિકાસ અધિકારી, નવા નિમણૂક પામેલા CWC ચેરમેન અને સભ્યો, JJB સભ્યો, આરોગ્ય, શ્રમ, પોલીસ, આઈ.સી.ડી.એસ., તેમજ સામાજિક સુરક્ષા સહિત બાળકોના કલ્યાણ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ ત્રિમાસિક બેઠક બાળ કલ્યાણ સમિતિ (CWC) પાટણની હતી, જેમાં સંસ્થામાં પ્રવેશ તથા મુક્તિ માટે કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ, જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ, જેમાં ક્ષમતા વર્ધન તાલીમો અને જાગૃતિ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી, તથા વિવિધ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી.
ત્રીજી બેઠકમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટના અમલીકરણ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરીને તેમના પ્રશ્નોની રજૂઆત અને ઉકેલના માર્ગો વિષે વિચારવિમર્શ કરવામાં આવ્યો. સાથે સાથે બાળ કલ્યાણકારી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સૂચનાઓ અને ભવિષ્યના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર