વડોદરા, 26 જુલાઈ (હિ.સ.)- વડોદરા તાલુકા પોલીસે સાયબર ગુનામાં સહાયરૂપ બનતી ગેરકાયદેસર એકાઉન્ટ સપ્લાય ચેઇનનો પર્દાફાશ કર્યો છે. ઠગાઈ માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂ. 5.72 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીઓ ગરીબ લોકોને પૈસાની લાલચ આપીને તેમના આધાર આધારિત દસ્તાવેજો લઈ ફેક એકાઉન્ટ ખોલાવતાં અને પછી ચેકબુક, પાસબુક, ATM કાર્ડ વગેરે એન્ટોની નામના શખ્સને મોકલી આપતા. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપી —
1. અર્શદ ઉર્ફે અમન પઠાણ (ચિશ્તિયા નગર),
2. સોહિલખાન પઠાણ (પ્રોપર્ટી ડિલર, વાડી)
3. મોહંમદ ઉમર ચોખાવાલા (ફાર્મસી કર્મચારી, વાડી) —ને ઝડપી પાડ્યા છે.
આરોપીઓ પાસેથી 416થી વધુ ATM કાર્ડ, અનેક બેંકોના ચેકબુક, મોબાઈલ ફોન, ક્યુઆર કોડ સ્કેનર મશીન અને નાના નાણા સાથે કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ એકાઉન્ટોનો ઉપયોગ પાન-ઈન્ડિયા લેવલે સાયબર ફ્રોડ માટે થઈ રહ્યો હતો.
PI વી.એમ. ટાંકે જણાવ્યું કે આરોપીઓ એક ગણીતસરનું કાવતરું રચી સામાન્ય લોકોને ફસાવી હઝારોના એકાઉન્ટ ખોલાવડાવતા હતા. હાલ રિમાન્ડ મેળવ્યા બાદ વધુ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે