પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે વ્યાજખોરીના દુષણને દુર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજિત લોક દરબાર તથા બેંક લોન મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ (ખાસ કરીને મહિલા સ્વાવલંબન યોજના) અંગે લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા.જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વ્યાજખોરીથી બચવા માટે વિવિધ બેંકમાં મળતી લોનનો લાભ લઈને લોકો વ્યાજના દુષણથી બચી શકે તે અંગે વિસ્તૃત આંકડાકીય સમજ આપવામાં આવી હતી.
એસ.બી.આઈ બેંક સહિત અન્ય બેન્કના અધિકારીઓ દ્વારા પણ લોકોને લોનની વિવિધ યોજના અંગેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમમાં બેંકમાંથી લોન લીધી હોય તેવા લોકો માંથી 10 વ્યક્તિને કુલ 19.10 લાખની લોનના મંજુરી પત્ર આપવામાં આવ્યા હતા તેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસ્તકની મહિલા સ્વાવલંબન યોજના અન્વયે લાભાર્થી બહેન ભૂતિયા ભારતીબેન પ્રવીણભાઈ ને અનાજ કરીયાણા સ્ટોરના ટ્રેડ માટે એસ.બી.આઈ બેંક પોરબંદર ખાતેથી 1,50,000/-ની લોન મંજુરી પત્ર આપવામાં આવ્યુ હતુ.મહિલા સ્વાવલંબન યોજના મહિલાઓને વ્યવસાય હેતુસર રુપિયા 2.00 લાખ સુધીની લોન માટે આ કચેરી દ્વારા ભલામણ કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ કેટેગરી મુજબ સબસીડી મળવાપાત્ર છે, આ યોજનાનો ઉદેશ્ય ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી પગભર બનાવવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન યોજનાઓ સંબંધી પુસ્તિકાઓ અને પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેથી બહેનો વધુ માહિતી મેળવી શકે અને અન્ય બહેનોને પણ જાગૃત કરી પગભર થઈ પોતાની ઓળખ ઉભી કરી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya