પાટણ, 26 જુલાઈ (હિ.સ.)ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠાના બોરની મુખ્ય પાઈપલાઈન અજાણ્યા શખ્સ દ્વારા કાપી નાખવામાં આવતા સમગ્ર ગામમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે ગ્રામજનોને તાત્કાલિક પાણી વિના હાલાકી ભોગવવી પડી છે.
ઠાકોર નાનાજી હમીરજી, જે ગામ પંચાયતના ઓપરેટર તરીકે કામ કરે છે, તેમણે 24 જુલાઈના સવારે બોર ચાલુ કરીને ગામમાં પાણી પહોંચાડ્યું હતું. બપોરે બોર બંધ કરીને બોરની ઓરડી અને પાણીના વાલની જગ્યાને તાળા મારી તેઓ પોતાના ઘેર જમવા ગયા હતા. લગભગ 1:30 વાગ્યે પાછા ફરતા તેઓએ જોયું કે પાઈપલાઈન તોડી નાખવામાં આવી છે અને મોટી જોરથી પાણી વેડફાઈ રહ્યું છે. વાલ પણ કાપી દેવામાં આવતા પાણી બંધ ન થઈ શક્યું અને પંચાયતની સંપત્તિને મોટું નુકસાન થયું.
આ બનાવની જાણ થતા, સરપંચ કાજલબેન વ્યાસ, ચેતનભાઈ વ્યાસ અને અન્ય સભ્યો પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાટણ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલે ગ્રામજનો સાથે બેઠક કરી અને ઘટનાસ્થળે જઈ નિરીક્ષણ કર્યું. તેમણે ગામને ખાતરી આપી કે આરોપી સામે કડક પગલાં લેવાશે. હાલ પોલીસ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર