સજાનો, મજાનો કે સરકારી બદલીનો જિલ્લો? કચ્છમાં નિમણૂક લઇને જાણે વતન વાપસી, 133 કર્મચારીઓ પરત જતા રહ્યા
ભુજ – કચ્છ, 26 જુલાઇ (હિં.સ.) : કચ્છ એટલે ભરતી માટેનું કેન્દ્ર હોય તેમ શિક્ષકો બાદ હવે પંચાયતના કર્મચારીઓની થયેલી આંતરજિલ્લા બદલીમાં કચ્છમાંથી 133 જેટલા કર્મચારી જિલ્લા બહાર બદલી જતાં કચ્છને તેમાંય અન્યાય થયો હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે. પંચાયતન
કચ્છ જિલ્લો સજાનો કે મજાનો ? કે બદલીનો?


ભુજ – કચ્છ, 26 જુલાઇ (હિં.સ.) : કચ્છ એટલે ભરતી માટેનું કેન્દ્ર હોય તેમ શિક્ષકો બાદ હવે પંચાયતના કર્મચારીઓની થયેલી આંતરજિલ્લા બદલીમાં કચ્છમાંથી 133 જેટલા કર્મચારી જિલ્લા બહાર બદલી જતાં કચ્છને તેમાંય અન્યાય થયો હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે.

પંચાયતના વિવિધ શાખાઓના કર્મચારીઓ બદલી ગયા

પંચાયત સેવા સંવર્ગના સીધી ભરતીના વિત્તરાજ્ય પત્રિત 1400થી વધુ કર્મચારીની ઓનલાઈન આંતરજિલ્લા ફેર બદલીઓ કરવામાં આવી હતી, જેમાં કચ્છમાં ફરજ બજાવી રહેલા વિસ્તરણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, અધીક મદદનીશ ઈજનેર, આંગણવાડીની મુખ્ય સેવિકા, આરોગ્ય ખાતાના જુનિયર ફાર્માસિસ્ટ, ફિમેલ હેલ્થવર્કર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સ્ટાફ નર્સ, જુનિયર ક્લાર્ક, લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, તલાટી કમ મંત્રી, ગ્રામસેવક સહિતના અંદાજે 133 કર્મચારીની એકસામટી જિલ્લાફેર બદલી થતાં કચ્છની કચેરીઓ ખાલીખમ થઈ જવાની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

અધિકારીઓની ઘટ અને તેમાં હવે કર્મચારીઓની પણ બદલી

આમેય કચ્છ જિલ્લા પંચાયત વર્ગ-1 અને 2ના અધિકારીથી માંડી વર્ગ-3ના કર્મચારીઓની ઘટનો સામનો કરી રહી છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ બદલી જતાં વહીવટ પર અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે મોટી ખોટ પડવાની શક્યતા જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande