ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરી પ્રાકૃતિક કૃષિના ફેલાવામાં સિંહફાળો આપી રહ્યું છે.
કોડીનારની કે.ડી.બારડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આશરે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓેને તાદ્રશ્ય માટી, બીજ, છોડ, પાણી, સિંચાઈ, ખેડ, ખાતર, બિયારણ સહિતની પ્રાકૃતિક કૃષિની વિવિધ જરૂરિયાત વિશે માહિતગાર કરાયા હતાં.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિસ્તરણ વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પાકમાં થતી જિવાત નિયંત્રણ માટે પ્રાકૃતિક કૃષિમાં નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર તેમજ બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે દશપર્ણી અર્ક વિશે સમજાવવામાં આવ્યાં હતાં.
પાક સંરક્ષણના વિવિધ ઉપાયો દ્વારા પ્રાકૃતિક રીતે જિવાત નિયંત્રણ દવાઓ બનાવવી, આ દવાઓના છંટકાવની પદ્ધતિઓ તેમજ રાસાયણિક દવાઓથી થતી આડઅસરો વિશે વિદ્યાર્થીઓને સમજૂત કરાયા હતાં.
આ રીતે વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિના વિવિધ તબક્કાઓ અને આયામો વિશે જાણકારી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ