ગીર સોમનાથ, 27 જુલાઈ (હિ.સ.) ધવલ કે. પંડ્યા, IAS, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન અને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી જે. એમ. ગોહેલ દ્વારા વેરાવળ-પાટણ અને તાલાલા નગરપાલિકાઓની મુલાકાત દરમિયાન હાલ ચાલી રહેલી વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને, શહેરી વિસ્તારોમાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, શહેરની સાફ-સફાઈ અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને મુશ્કેલી ન પડે. નગરપાલિકાના ટેક્સ કલેક્શનની સ્થિતિની તપાસ કરવામાં આવી. આ સાથે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫મા નાણાપંચ અને અમૃત યોજના જેવી મહત્વકાંક્ષી સરકારી યોજનાઓ અંતર્ગત પ્રગતિ હેઠળના વિવિધ કાર્યોની સ્થળ પર મુલાકાત લઈ તેની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આ યોજનાઓનો અમલ નિર્ધારિત સમયમર્યાદામાં અને યોગ્ય રીતે થાય તે માટે સુચના આપવામાં આવી.
વેરાવળના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૈકીના વેરાવળ શહેરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) દ્વારા નિર્માણાધીન બે મહત્વના રેલવે ઓવરબ્રિજની સ્થળ તપાસ કરવામાં આવી. આમાં LC-૧૩૦, ૮૦ ફૂટ રિંગ રોડ પરનો બ્રિજ અને LC-૦૧, સોમનાથ ટોકીઝ, ભાલકા મંદિર નજીકનો બ્રિજ સામેલ છે. આ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા દરમિયાન, આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે GUDCના અધિકારીને સુચના આપી. આવશ્યક સેવાઓ અને માળખાગત સુવિધાઓ બાબતે શહેરના વેરાવળ-જુનાગઢ હાઈવે પર આવેલ STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને ડમ્પ સાઈટની મુલાકાત લઈ તેની કાર્યક્ષમતા તપાસવામાં આવી. આ ઉપરાંત, વેરાવળ-તાલાલા હાઈવે પર દેવળી ગામ પાસે આવેલ WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સાઈટની પણ મુલાકાત લેવામાં આવી હતી. રોડ મરામત કામગીરી ની સાઈટ વિઝીટ કરીને કામની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, WTP માંથી નીકળતા બેકવોશ અને ટેલ એન્ડ પરના પાણીનો બગાડ ન થાય તે માટે રેન વોટર હાર્વેસ્ટીંગ હેઠળ સુઆયોજિત વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો, જેથી ભૂગર્ભ જળસ્તર રીચાર્જ થઇ શકે.
તાલાલા નગરપાલિકામાં ટેક્સ કલેક્શન બાબત મુખ્ય બાકીદારો પાસેથી મહત્તમ ઉઘરાણી થાય તે માટે નિયમાનુસાર કાર્યવાહી કરવા, શહેરમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને સાથોસાથ સફાઈ નિયમિત થાય તે માટે, જર્જરિત બિલ્ડીંગ બાબત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નિયમાનુસાર કાર્યવાહી કરવા, નગરપાલિકા દ્વારા આંગણવાડીની જમીનો માટે દરખાસ્તો કરેલ હોય જમીન મળ્યે સત્વરે બાંધકામ શરુ થાય તે અંગે અને નગરપાલિકાના ગલીયાવડ ગામ તરફ જતા રસ્તે આવેલ STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું હાલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક ઓપરેશન અને મેઈન્ટેનન્સ થતું હોય તેનું મોનીટરીંગ રાખવા, વગેરે સૂચનાઓ આપવામાં આવી.
*આ મુલાકાત દ્વારા નગરપાલિકાના વિકાસ કાર્યોને વેગ આપવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી દિશા નિર્દેશો પૂરા પાડવામાં આવ્યા.
શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સ્થાપના તા.૧૯/૦૧/૧૯૫૦ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૨,૬૯,૦૦૦ છે તેમજ નગરપાલિકામાં ૧૧ વોર્ડ આવેલ છે; જયારે તાલાલા નગરપાલિકાની સ્થાપના તા.૧૧/૦૮/૨૦૦૫ ના રોજ થયેલ છે અને હાલની અંદાજીત વસ્તી ૨૫,૦૬૭ છે તેમજ નગરપાલિકામાં ૭ વોર્ડ આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ