ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : નખત્રાણા તાલુકા મથકથી દક્ષિણ-પૂર્વ વિસ્તારના ખીરસરા (રોહા) વેરસલપર વચ્ચેની વાડીમાં કામ કરતા શ્રમજીવી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. શ્રમજીવીને સારવાર માટે દાખલ કરાયો હતો. જયારે દીપડાને પકડવા પાંજરા મુકાયા હતા.
મોડકુવાના શ્રમજીવી ઉપર દીપડો ત્રાટક્યો
દીપડાના હુમલા બાદ શ્રમજીવીને લોહીલુહાણ હાલતમાં મંગવાણા સરકારી દવાખાના (પીએચસી)માં108મારફતે ખસેડાયો હતો. ઘટના રેન્જ ફોરેસ્ટર ધવલ દેસાઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે,માંડવી તાલુકાના મોડકુબા ગામના રમેશ હમીર જોગી છેલ્લા બે વર્ષથી ખીરસરાના પંકજ મણિલાલ લીંબાણીની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પર દીપડાએ રવિવારે સાંજેહુમલો કરી તેને જખ્મી કર્યો હતો. છેલ્લા એક માસથી વાછરડા,વાછડી,શ્વાન જેવા પશુઓનું મારણ કરતાં દીપડાને જંગલ ખાતા દ્વારા વેરસલપર-રોહા-ખીરસરા-દનણા સહિતના ગામોના વિસ્તારમાં ચાર જેટલા પીંજરાં મૂકી ઘાતક પ્રાણીને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાણીઓ બાદ હવે માનવને શિકાર બનાવે છે?
અગાઉ અન્ય પ્રાણીઓના શિકારી દીપડાએ હવે માનવને નિશાન બનાવતાં ચિંતા વધી છે. બીજી તરફ ખીરસરા (રોહા)ના પૂર્વ સરપંચ શાંતિલાલ માવાણીએ જણાવ્યું હતું કે,એક નહીં પણ ત્રણથી ચારની સંખ્યામાં આ વિસ્તારમાં ફરતા દીપડાથી વાડી-જંગલમાં જતાં લોકો ભયથી થરથરે છે. તેને પકડવા તુરંત કાર્યવાહી કરવા માંગ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA