ગાંધીનગર, 28 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં ભવ્ય આરંભ થયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ અવસરે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો, સંયમ, અને શાશ્વત સિદ્ધાંતોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલએ આચાર્ય સુનીલ સાગરજી મહામુનિરાજની પ્રશંસા કરતાં જણાવ્યું કે, માત્ર 19 વર્ષની ઉંમરે આચાર્ય સુનીલ સાગરજીએ અધ્યાત્મનો માર્ગ, ત્યાગ અને તપસ્યાનો માર્ગ સ્વીકારી લીધો હતો. આ એવી ઉંમર હોય છે જ્યારે યુવાનો અનેક રંગીન સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ ઘડતા હોય છે, ત્યારે આચાર્યજીએ સદાચાર અને પરોપકારના રાહ પર ચાલવાનું નિશ્ચિત કર્યું. તેમનો આ સંકલ્પ આજની યુવા પેઢી માટે એક અદ્ભુત પ્રેરણાસ્ત્રોત છે.
રાજ્યપાલએ કહ્યું કે, એક વિચાર માણસનું જીવન બદલી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સમ્યક વિચાર સાથે આગળ વધે છે, ત્યારે તે હંમેશા કલ્યાણકારી હોય છે.
તેમણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું કે, ધર્મ એ ટકાઉ સિદ્ધાંતોને ધારણ કરવા બરાબર છે. હિંદુ, મુસલમાન, ઈસાઈ, જૈન, બૌદ્ધ – આ બધા મજહબ છે, સંપ્રદાય છે. ધર્મનો ખ્યાલ જુદો છે. જે ધારણ કરવામાં આવે તે ધર્મ છે. ટકાઉ વિચાર હંમેશા ધારણ કરવા યોગ્ય હોય છે. જેમ કે સત્ય અને અસત્ય. જો દુનિયા આખી અસત્ય બોલવા લાગે અને આવતીકાલથી નક્કી કરીએ કે બધા જ અસત્ય બોલશે, તો તમે લોકો જે વ્યાપાર સાથે સંકળાયેલા છો તે સમજી જશો કે વ્યવસ્થા કેવી રીતે ચાલશે? કોઈનો કોઈ પર વિશ્વાસ નહીં રહે અને સમાજ પડી ભાંગશે. એવી જ રીતે હિંસા અને અહિંસા બંનેને આ વાત લાગુ પાડી જોઈએ અને કયો વિચાર ટકે છે તે જોઈએ. જો નક્કી કરવામાં આવે કે કાલથી બધા જ હિંસા કરી શકશે, કોઈને પણ અન્યને મારવાની છૂટ છે, તો દુનિયા ટકશે નહીં, જલ્દી નાશ થઈ જશે. આથી અહિંસા જ સત્ય છે. આમ, ધર્મ એ આવા ટકાઉ, શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને અપનાવવા બરાબર છે. ટકાઉ સિદ્ધાંતોનું આચરણ કરીએ તે જ ધર્મ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લખાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ પ્રાકૃત ભાષાના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડતાં કહ્યું કે, પ્રાકૃત ભાષા એ માત્ર એક બોલચાલની ભાષા નહોતી, પરંતુ તે પ્રાચીન ભારતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અરીસો હતી. જૈન ધર્મના અનેક મહામૂલ્યવાન ગ્રંથો, જેમ કે આગમ સૂત્રો, આ પ્રાકૃત ભાષામાં જ રચાયેલા છે. આ ભાષા સંસ્કૃત જેટલી જ સમૃદ્ધ અને વ્યાકરણબદ્ધ હતી, પરંતુ તે સામાન્ય જનજીવનની વધુ નજીક હતી, જેના કારણે બુદ્ધ અને મહાવીર જેવા મહાન તત્વજ્ઞાનીઓએ પોતાના ઉપદેશો જનસામાન્ય સુધી પહોંચાડવા માટે પ્રાકૃતનો સહારો લીધો હતો. આ ભાષાએ ભારતીય જ્ઞાન પરંપરાને એક વિશાળ જન સમુદાય સુધી પહોંચાડીને લોકશાહીકરણનું કાર્ય કર્યું.
તેમણે ઉમેર્યું કે, આ પ્રાકૃત ભાષાને લખવા માટે બ્રાહ્મી લિપિનો ઉપયોગ થતો હતો. બ્રાહ્મી માત્ર એક લિપિ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના વારસાનું પ્રતિક છે. આ લિપિમાંથી જ આજની લગભગ તમામ આધુનિક ભારતીય લિપિઓ વિકસી છે. આથી, બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ આપણને આપણા મૂળિયાં, આપણા ઇતિહાસ અને આપણા સમૃદ્ધ સાહિત્યિક વારસાને સમજવામાં મદદ કરે છે.
રાજ્યપાલએ આ પ્રસંગે અપરિગ્રહના વિચારની જીવનમાં ઉપયોગીતા વિશે જણાવતાં કહ્યું કે, દુનિયાભરની સંપત્તિ અને સામાન એકત્ર કરવાની જરૂર નથી. અપરિગ્રહનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરતું જ ધારણ કરે અને બાકીનો સંગ્રહ ન કરે. અતિશય સંગ્રહવૃત્તિ માત્ર માનસિક બોજ જ નહીં, પણ સામાજિક અસમાનતા અને સંઘર્ષનું પણ કારણ બને છે. જે વ્યક્તિ અપરિગ્રહના સિદ્ધાંતને અપનાવે છે, તે સાચી શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. આ વિચાર વ્યક્તિને ભૌતિકવાદી દોડમાંથી મુક્ત કરીને આત્મસંતોષ અને પરોપકારના માર્ગે વાળે છે, જે સુખી અને સંતુલિત જીવન માટે અનિવાર્ય છે.
આ અવસરે, આચાર્ય સુનીલ સાગરજી મહારાજે ઉપસ્થિતોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલા પ્રવચનના ઊંડાણ અને હૃદયસ્પર્શી વિચારોની સરાહના કરી, અને આશીર્વાદ આપ્યા કે આવા ઉચ્ચ વિચારો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં નિમિત્ત બને છે.
આ અવસરે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને જૈન સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આચાર્ય સુનીલ સાગરજી મહામુનિરાજનાં દર્શન અને તેમના આશીર્વચનોનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ