પાટણ, 3 જુલાઈ (હિ.સ.) પાટણ શહેરના બિસ્માર રસ્તાઓની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા ગંભીર પગલાં લેવામાં આવી રહ્યા છે. કારોબારી ચેરમેન મુકેશ પટેલે તમામ વોર્ડના ચૂંટાયેલા સભ્યો સાથે એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ હિનાબેન શાહ, મહેશ પટેલ, શૈલેષ પટેલ, મનોજ પટેલ, ગોપાલસિંહ રાજપૂત, ડૉ. નરેશ દવે અને બિપીન પરમાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
ચેરમેન મુકેશ પટેલે માહિતી આપી હતી કે ચોમાસા દરમ્યાન પડેલા ખાડાઓના મરામત માટે નવરાત્રિ પહેલાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને દિવાળી પહેલાં શહેરના મુખ્ય માર્ગોનું રિસરફેસિંગ કામ પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી માટે રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હાલ ડામર પ્લાન્ટ બંધ હોવાથી કામગીરીમાં વિલંબ થયો છે, પણ ચોમાસા બાદ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક કામ શરૂ કરવા સૂચના આપવામાં આવશે.
બેઠકમાં શહેરના અન્ય વિકાસ કાર્યો તેમજ મોબાઇલ અને વીજ કંપનીઓ દ્વારા ચાલતાં અંડરગ્રાઉન્ડ વાયરિંગના કામની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નગરપાલિકા ટૂંક સમયમાં સંબંધિત કોન્ટ્રાક્ટરોને વર્કઓર્ડર આપી કામગીરી આગળ ધપાવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર