ભુજમાં કરાટે શીખવા જતી સગીરાની, જાતીય સતામણીના અપરાધમાં ટ્રેનરને 5 વર્ષની સખત કેદ
ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) કરાટેની તાલીમ માટે આવતી સગીર વયની વિદ્યાર્થિનીની જાતિય સતામણી કરવાના માર્ચની 2019ના કેસમાં ખાસ અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કરાટેના ટ્રેનરને પાંચ વર્ષની સખત કેદ સજા ફટકારી છે. સાગરિતને પણ ત્રણ વર્ષની સજા ફટકારાઇ
ભુજમાં કરાટે શીખવા જતી સગીરાની, જાતીય સતામણીના અપરાધમાં ટ્રેનરને 5 વર્ષની સખત કેદ


ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) કરાટેની તાલીમ માટે આવતી સગીર વયની વિદ્યાર્થિનીની જાતિય સતામણી કરવાના માર્ચની 2019ના કેસમાં ખાસ અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કરાટેના ટ્રેનરને પાંચ વર્ષની સખત કેદ સજા ફટકારી છે.

સાગરિતને પણ ત્રણ વર્ષની સજા ફટકારાઇ

ભુજમાં માર્ચ-2019ના ફોજદારી કેસમાં ખાસ અદાલતે મુખ્ય આરોપી એવા મૂળ નખત્રાણા તાલુકાનાં નાની અરલ ગામના અને ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા વિનોદ પ્રેમજી પટેલને પાંચ વર્ષની સખત કેદ અને 60 હજાર દંડ ફટકાર્યો છે. તેના મદદકર્તા મૂળ મધ્યપ્રદેશના વતની અને ભુજના પ્રમુખ સ્વામીનગરના રહેવાસી પવન રામચંદ્ર સરગરાને ત્રણ વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

ચકચારી કેસમાં 14 પુરાવા અને 7 સાક્ષી તપાસાયા

ભારે ચકચારી બનેલા આ કિસ્સાનો કેસ અહીંની ખાસ અદાલતમાં સ્પેશિયલ જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલ્યો હતો. તેમણે બંને પક્ષની દલીલો ઉપરાંત 14 દસ્તાવેજી પુરાવા અને સાત સાક્ષીને તપાસી બંને આરોપીને તકસીરવાન ઠેરવતા તેમને સખત કેદ અને દંડની આ સજા સંભળાવી હતી. આ સુનાવણીમાં સરકાર પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા.

પોક્સો ધારાની કલમ મુજબનો ગુનો

અદાલતે મુખ્ય આરોપી કરાટે ટ્રેઈનર વિનોદ પટેલને પોક્સો ધારાની કલમ 8 મુજબના ગુનામાં જવાબદાર ઠેરવી પાંચ વર્ષની કેદ અને 50 હજાર દંડ, કલમ 354 (એ.) મુજબ છ માસની કેદ અને પાંચ હજાર દંડ અને કલમ 506 બદલ એક વર્ષની કેદ અને પાંચ હજારના દંડની સજા કરી હતી. જ્યારે મદદકર્તા આરોપી પવન સરગરાને પોક્સો ધારામાં ત્રણ વર્ષની કેદ અને પાંચ હજાર દંડ, 354 (એ) અન્વયે છ માસની કેદ તથા કલમ 506 અનુસંધાને છ માસની સખત કેદનો આદેશ ચૂકાદામાં કરાયો હતો.

ભોગ બનનારને એક લાખ ચૂકવવાનો પણ હુકમ

ન્યાયાધીશ જે.એ.ઠક્કરે તેમના આ ચૂકાદામાં ભોગ બનનારને એક લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા ડી.એલ.એસ.એ.ને આદેશ કર્યો હતો. આરોપીઓ દ્વારા ભરાનારી દંડની રકમ પણ ભોગ બનનારને ચુકવવા હુકમ કર્યો હતો. સાથેસાથે ભોગ બનનારનું જીવન અને શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તે માટે કાળજી લઈને યોગ્ય કરવા સી.ડબલ્યુ.સી. અને ડી.સી.પી.યુ.ને આદેશ કરાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande