સુરત, 31 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉત્રાણ વિસ્તારોમાં ડેન્ગ્યુ રોગનો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, ડેન્ગ્યુના કારણે માત્ર 33 વર્ષની યુવા મહિલાનું દુઃખદ અવસાન થયું છે. આ મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મનપા કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ ઘટના માત્ર દુર્ભાગ્યજનક જ નહીં, પરંતુ આરોગ્ય વિભાગની જવાબદારી નિષ્ફળતાનું દ્યોતક છે. સ્વચ્છતા, મચ્છર નિયંત્રણ અને આરોગ્ય સગવડો પૂરતી રીતે ન મળવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. નાગરિકોના આરોગ્યની રક્ષા કરવાનું મહાનગરપાલિકાનું મુખ્ય કર્તવ્ય છે, પરંતુ પ્રભાવિત વિસ્તારોમાં યોગ્ય સમયસર સર્વે, ફોગિંગ, દવા છંટકાવની કામગીરી અને ડેન્ગ્યુ નિયંત્રણ માટેની કામગીરી પૂરતી રીતે થઈ નથી.
વિજય પાનશેરિયાએ મનપા કમિશ્નરને તાત્કાલિક નીચે મુજબની કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી:
(૧) મોટા વરાછાના પ્રભાવિત ઉત્રાણ વિસ્તારોમાં ડેન્ગ્યુ ફેલાવાનું મુખ્ય કારણ શોધવું.
(૨) મચ્છરના પ્રજનન સ્થળોનો તાત્કાલિક નાશ કરી દૈનિક ફોગિંગ અને જરૂરી દવા છંટકાવ શરૂ કરવો.
(૩) પ્રભાવિત વિસ્તારોમાં ઘરે ઘરે સર્વે કરી, ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવારની સુવિધા આપવી.
(૪) નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા સ્થાનિક સ્તરે મિટિંગ અને પેમ્ફ્લેટ વિતરણ કરવું.
(૫) મચ્છર નિયંત્રણ કામગીરીમાં થયેલી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર કાયદેસર કાર્યવાહી કરવી.
(૬) આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી તમામ કામગીરીનો લેખિત અહેવાલ જાહેર જનતાને અને મીડિયાને ઉપલબ્ધ કરાવવો જેથી પારદર્શિતા રહે.
વિજય પાનશેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના સુરત મહાનગરપાલિકા માટે ગંભીર ચેતવણીરૂપ છે. જો તાત્કાલિક અસરથી જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો ડેન્ગ્યુનો પ્રકોપ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને નાગરિકોના જીવને જોખમમાં મૂકી શકે છે.
અત્યાર સુધી થયેલી બેદરકારીની જવાબદારી નક્કી કરી, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે લાંબા ગાળાની મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતા યોજના અમલમાં મૂકવાની મનપા કમિશ્નર ખાતરી આપશે એવી અપેક્ષા વિજય પાનશેરિયાએ સેવી હતી તેમજ આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક પગલાં લેવા નમ્ર વિનંતી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે