સુરત લસકાણા ટ્રેજેડી: દીકરાને ઝેરી દવા પીવડાવી મહિલાએ કર્યો આત્મઘાતનો પ્રયાસ, સારવાર દરમિયાન મોત
સુરત, 31 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક હ્રદય વિદારી બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ દવા પી લીધી હતી. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી મ
Surat


સુરત, 31 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક હ્રદય વિદારી બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ દવા પી લીધી હતી. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી મહિલાને ગંભીર સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. દીકરાની હાલત હાલ સ્થિર છે અને સારવાર ચાલુ છે.

પરિવાર સાથે રહેતી મહિલાએ પહેલાં અને પછીના લગ્ન કર્યા હતાં

મહિલા મૂળ અમરેલી જિલ્લાના ડેડકણી ગામની નિવાસી હતી અને હાલમાં લસકાણાના કઠોદરા વિસ્તારમાં ગઢપુર ટાઉનશિપમાં પોતાના પિતા અને દીકરા સાથે રહી રહી હતી. મહિલાના પહેલા પતિનું અવસાન 2020માં અકસ્માતમાં થયું હતું. ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ સંબંધ ટકી ન શકતા તે પિયર પરત આવી ગઈ હતી.

દીકરાને તાવ આવતો હતો, દવાખાને લઈ જવાનું કહી ઘરેથી નીકળી

મળતી વિગતો પ્રમાણે, ગઈકાલે મહિલાએ પોતાના પુત્રને તાવ હોવાને કારણે દવાખાને લઈ જવાનું કહી ઘર છોડ્યું હતું. પણ સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોને ચિંતા થઇ. ત્યારબાદ મહિલાએ પોતાના મિત્રોને જાણ કરી કે તેણે પાસોદરા રોડ પર આવેલા મામાદેવ મંદિરે ઝેરી દવા પી લીધી છે.

દવા પીધાની જાણ એક મિત્ર દ્વારા પરિવારને મળી

મહિલાના મિત્રએ તેણીની જાણ તેના પરિવારજનોને આપી. રાત્રે લગભગ 9 વાગ્યે પરિવારજનો મંદિર પાસે પહોંચ્યા ત્યારે મહિલા બેભાન હાલતમાં મળી આવી અને દીકરો તેની પાસે બેઠો હતો. બંનેને તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દીકરાએ ખુલાસો કર્યો: “મમ્મીએ મને દવા પીવડાવી”

હોસ્પિટલ પહોંચ્યા પછી દીકરાએ પરિવારજનોને જણાવ્યું કે, “મમ્મીએ પહેલા મને દવા પીવડાવી અને પછી પોતે પણ પીધી.” મહિલાની તબિયત વધુ બગડતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન આજે(31 જુલાઈ) મોત થયું છે.

પોલીસ તપાસમાં કારણ હજુ અસ્પષ્ટ

મહિલાએ આ પગલું કયા કારણસર ભર્યું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. લસકાણા પોલીસ મથક દ્વારા કેસ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande