ભુજ – કચ્છ, 31 જુલાઇ (હિ.સ.) પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજીની ટેકનિકલ કાર્યવાહી કરવા માટે લાંચ લેનારા બે આરોપીને રૂપિયા 40 હજારની રકમ સાથે ઝડપી પડાયા છે. ભુજ તાલુકા પંચાયત કચેરીમાં લાંચ રૂશ્વત વિરોધી દળે આ કાર્યવાહી કરી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે રકમ માગી
સત્તાવાર વિગતો જોઇએ તેમાં પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે નાગરિકે ભુજ તાલુકા પંચાયતમાં અરજી કરી હતી. આ અરજી મંજૂર કરાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો કરાર આધારિત ટેકનીકલ આસીસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોષીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલને મળવા જણાવ્યું હતું. સહાય બાબતે આ કામના ફરિયાદીએ વિશાલ જોષીને રૂબરૂ મળતા તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા સારૂ રૂ.૪૦,૦૦૦ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી.
રકમ સ્વીકારતાં એક આરોપી પકડાઇ ગયો
ફરિયાદી રકમ આપવા માંગતા ન હોઇ તેઓએ ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો અને પોતાની ફરિયાદ આપતા લાંચના છટકાં દરમ્યાન વિશાલે ફરિયાદીને ફોન પર દર્શનને મળી આ લાંચની રકમ આપી દેવા સારૂ જણાવ્યું હતું. આ હેતુલક્ષી વાતચીત કરી દર્શને લાંચના છટકા દરમિયાન રૂ.૪૦,૦૦૦ વિશાલ વતી માંગી, સ્વીકારી રંગેહાથ પકડાયો હતો. એસીબીએ બંને સામે કાર્યવાહી કરી છે. જોકે વિશાલ પકડાયો નથી. ટ્રેપીંગ અધિકારી તરીકે ભુજ એસીબીના પીઆઇ એલ.એસ.ચૌધરી તથા સુપરવિઝન અધિકારી તરીકે એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.ના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA