સુરત, 30 જુલાઈ (હિ.સ.)- ડુમસ રોડ, પીપલોદ, સીગ્નેચર બિલ્ડિંગમાં આવેલ રેસ્ટોરન્ટમાં રેઈન કોટ અને હેલ્મેટ પહેરીને ત્રાટકેલા તસ્કરે કાઉન્ટરના ડ્રોવરમાંથી ધંધાના વકરાના ભેગા થયેલા રોકડા ૨.૪૦ લાખ ચોરી કરી નાસી ગયો હતો. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઉધના મગદલ્લા રોડ, વેસુ, યુનીયન રેસીડેન્સી ખાતે રહેતા રક્ષિત કીરીટભાઈ ભીમાણી (ઉ.વ.૩૯) ડુમસ રોડ, પીપલોદ, ઈસ્કોન મોલની બાજુમાં સિગ્નેચર બિલ્ડીંગમાં અમર રેસ્ટોરન્ટ એન્ડ જ્યુશ સેન્ટર નામે હોટલ ચલાવે છે. આ હોટલમાં ગત તા ૨૮મીના બુધવારના રોજ મોડી રાત્રે પોણા ત્રણેક વાગ્યાના આરસામાં અજાણ્યો ચોર ઈસમ ત્રાટક્યો હતો. રેઈન કોટ અને માથામાં હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા ઈસમે હોટલના કાચનો દરવાજો કોઈ સાધનથી ખોલી અંદર ઘુસ્યા બાદ હોટલના કાઉન્ટરના ડ્રોવરના ખાનામાં મુકેલા રોકડા ૨,૪૦,૦૦૦ ચોરી કરી નાસી ગયો હતો.
અજાણ્યાએ માત્ર બે મીનીટમાં જ હાથફેરો કરી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર રક્ષિત ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે