સુરત, 30 જુલાઈ (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં રહેતા યુવકે એક 30 વર્ષની યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી સમય પસાર કર્યો હતો. દોઢેક વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ યુવકે લગ્ન કરવા માટે ના પાડી દઈ તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં આવેલ મીની બજાર ખાતે શ્યામ નગર સોસાયટીમાં રહેતા નિકુંજ ચૌહાણ નામના યુવકે 30 વર્ષની યુવતી સાથે મિત્રતા કરી હતી. શરૂઆતમાં તેની સાથે મીઠી મીઠી વાતો કર્યા બાદ તેને લગ્નની લાલચ આપી હતી. યુવતી પણ તેની વાતોમાં ભોળવાઈ ગઈ હતી અને યુવકે તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવતા અવારનવાર બંને ફરવા માટે જતા હતા. આ દરમિયાન નિકુંજ ચૌહાણ શહેરના અડાજણ વિસ્તારમાં ગેલેક્સી સર્કલ પાસે આવેલ વી.ડી રૂમ્સ નામની હોટલમાં યુવતીને લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષથી તેના લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી શારીરિક શોષણ કરતો રહ્યો હતો. દોઢ વર્ષ બાદ આખરે નિકુંજ ચૌહાણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે ગતરોજ સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિકુંજ ચૌહાણ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે