સુરત, 30 જુલાઈ (હિ.સ.)- સલાબતપુરા, માલીની વાડીમાં ધંધો કરતા વેપારી પાસેથી સ્થાનિક દલાલ મારફતે દિલ્હીના બે વેપારીઓએ કાપડનો માલ ખરીદ્યા બાદ બાકી લેવાના નિકળતા રૂપિયા ૨૮.૮૧ લાખ નહી ચૂકવી છેતરપિંડી કરી હતી.
પીપલોદ, બાલાજીનગર સોસાયટીમાં રહેતા અને સલાબતપુરા માલીની વાડીમાં કાપડનો ધંધો કરતા ડેનીશ હરીશભાઈ સોપારીવાલા (ઉ.વ.૩૫) પાસેથી ગત તા ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં કાપડ દલાલ બૈજનાથ મદનમોહન પાંડે (ઉ.વ.૪૩.રહે, જય જવાન જય કિશાન સોસાયટી, પાંડેસરા) મારફતે દિલ્હી ચાંદની ચોક, નવી સડક, જાગીવારા ખાતે મન્નુ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર મનોજ કુમારએ રૂપિયા ૧૫,૫૦,૮૫૩ જયારે ન્યુ દિલ્હીસ, નાગલોઈ, જે.જે.કોલોની ખાતે શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર સંજયકુમાર અગ્રવાલએ રૂપિયા ૧૩,૩૦,૧૮૬ના મત્તાનો કાપડનો માલ ખરીદ્યો હતો. આમ આ બંને વેપારીઓએ કાપડ દલાલ બૈજનાથ પાંડે મારફતે કુલ રૂપિયા ૨૮,૮૧,૦૩૯ નો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ નક્કી કરેલ સમય મર્યાદામાં દલાલ સહિત વેપારીઓએ પેમેન્ટ નહી આપતા ડેનીશ સોપારીવાલાએ ઉઘરાણી કરતા મનોજ કુમાર અને સંજયકુમારે પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ આપવાની ના પાડી દીધી હતી અને બીજી તરફ કાપડ દલાલ બૈજનાથે પણ પેમેન્ટ માટે હાથ ઉંચા કરી દીધા હતા. આખરે ડેનીશ સોપારીવાલાએ આ મામલે ગતરોજ ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે તેમની ફરિયાદને આધારે બે અલગ અલગ ગૂનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે