જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં જર્જરિત પુલ ઉપરથી વાહન પસાર કરવાના કિસ્સામાં પ્રથમ ગુનો નોંધાયો છે. કાલાવડના કોઠા ભાડુકીયા ગામના જર્જરીત બની ગયેલા ઉંડ-૩ સિંચાઈના પુલ પરથી ટુ વ્હીલર કે રાહદારી સિવાય વાહન પસાર કરવાની મનાઈ હોવા છતાં ગઈકાલે એક ઈકો ત્યાંથી પસાર થતાં તેના ચાલક સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો છે. જે સમગ્ર જામનગર જિલ્લામાં પ્રથમ છે.
કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામમાં ઉંડ-૩ સિંચાઈ વિભાગ હસ્તકના પુલ પરથી હાલમાં પગે ચાલીને જતા રાહદારી અને ટુ વ્હીલર સિવાય અન્ય વાહનોને નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.
જર્જરીત હાલતમાં રહેલા તે પુલ પરથી મોટા વાહન નીકળવાની મનાઈ હોવા છતાં ગઈકાલે સાંજે કાલાવડ તાલુકાના બાલંભડી ગામનો જયદેવ ખોડાભાઈ ગોલતર નામનો શખ્સ પોતાની જીજે-૧૦-ડીઆર ૩૮૪૦ નંબરની ઈકો મોટર લઈને પસાર થયો હતો. આ શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના જમાદાર વી.જે. જાદવે ખુદ ફરિયાદી બની જાહેરનામા ભંગ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા નજીકના ગંભીરા બ્રિજના તૂટી પડવાના બનેલા બનાવ પછી રાજ્યના તમામ જિલ્લાઓમાં જે પુલ જર્જરીત છે તેના માટે તંત્ર દ્વારા સાવચેતી દાખવવામાં આવી રહી છે. તે અંતર્ગત કોઠા ભાડુકીયાના ઉપરોક્ત પુલ પરથી ભારે વાહન પસાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં ગઈકાલે ત્યાંથી ઈકો પસાર થતાં ગુન્હો નોંધાયો છે. જે જામનગર જિલ્લામાં સૌપ્રથમ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT