જામનગર જિલ્લામાં સોલાર પ્લાન્ટમાંથી કોપર કેબલ વાયર અને ડીસી કનેક્ટર ચોરી કરતી બેલડી ઝડપાઈ
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને કચ્છમાં કેટલાક સોલાર પ્લાન્ટમાં જુદા જુદા સમયે ચોરી કરી કોપર કેબલ અને ડીસી કનેક્ટર ઉઠાવી જનાર ટોળકીના બે શખ્સને એલસીબીએ દબોચી લીધા છે. આ શખ્સોએ પાંચ સાગરિતના નામ આપ્ય
ચોરી


જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને કચ્છમાં કેટલાક સોલાર પ્લાન્ટમાં જુદા જુદા સમયે ચોરી કરી કોપર કેબલ અને ડીસી કનેક્ટર ઉઠાવી જનાર ટોળકીના બે શખ્સને એલસીબીએ દબોચી લીધા છે. આ શખ્સોએ પાંચ સાગરિતના નામ આપ્યા છે. કુલ ૧૨ કેબલ ચોરીની કબૂલાત મળવા પામી છે. ગૂગલમાં સર્ચ કરી આ શખ્સો સોલાર પ્લાન્ટ શોધી કાઢી ત્યાં ચોરી કરતા હતા. જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ બ્લોચ, યુવરાજસિંહ, ઋષિરાજસિંહને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના ગોવાણા ગામ તરફથી આવતી એક મોટરમાં ચોરાઉ વાયર લાવવામાં આવી રહ્યો છે.

આ બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પી.એન. મોરીના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે વોચ રાખી હતી. જેમાં જીજે-૪-ઈએ ૨૬૨૫ નંબરની અર્ટીગા મોટર પસાર થઈ હતી. તે મોટર રોકાવી તેની તલાશી લેવાતા તેમાંથી ૨૪૦૦ મીટર કોપર કેબલ, સોલાર પેનલના ૮૦ નંગ ડીસી કનેકટર અને વાયર કાપવાનું કટર મશીન મળી આવ્યા હતા.

ઉપરોક્ત ચીજવસ્તુઓ અંગે એલસીબીએ મોટરમાં રહેલા ભાવનગરના મહેશ મધુરભાઈ મકવાણા ઉર્ફે લાલા તથા સિંહોરના કલ્પેશ હિમતભાઈ ડાભી ઉર્ફે કપુ નામના શખ્સોની પૂછપરછ કરતા આ શખ્સોએ જામનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છમાં છેલ્લા સાતેક મહિનામાં જુદી જુદી જગ્યાઓએ જઈ સોલાર પ્લાન્ટ શોધી કાઢી ત્યાંથી કોપર કેબલ કાપી જવાનું કૃત્ય આચર્યાની અને પોતાની સાથે ભાવનગરના સિંહોરના ગોપાલ નરશી વાઘેલા, અજય પ્રવીણ ડાભી, અલ્પેશ દિનેશ કોળી, ભરત ડુંગર વાઘેલા, લાલજી કલ્યાણ ચૌહાણ પણ સંડોવાયેલા હોવાની કબૂલાત આપી છે. આ શખ્સો ગૂગલ મેપમાં સર્ચ કરી જે તે જિલ્લામાં સોલાર પ્લાન્ટવાળી જગ્યાઓ શોધી કાઢતા હતા અને ત્યાં પહોંચી કટર મશીનથી કેબલ કાપી લેતા હતા. આ શખ્સોના કબજામાંથી બે મોબાઈલ મળી કુલ રૂા.૭૯૦૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. બંને શખ્સની અટકાયત કરાઈ છે અને તેના પાંચ સાગરિતના સગડ દબાવાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande