ભુજ, 30 જુલાઇ 2025 (હિ.સ.) : રાપર શહેરમાં 2001ના ભૂકંપ બાદ નવી ગટર લાઈન નાખવામાં આવી હતી. રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગટર વ્યવસ્થા ઉભી કરતી વેળાએ ચૂક હશે કે કૌભાંડ તે કહી શકાય નહીં પણ પાંચની લાઇનના બદલે તેનાથી નાની અઢીની લાઇન નાખી દેવાતાં ગટર જામ થવાની સમસ્યા નડતી આવી છે. હાલમાં આ ગટર લાઇનનું સંચાલન નગરપાલિકા હસ્તક છે ત્યારે સફાઇ કામગીરી દરમિયાન અનાજ સમાઇ જાય તેવા કોથળા અને ગોદળાં સહિતી ભારે સામગ્રી તેમાંથી નીકળી છે.
ગટરલાઇનની સમસ્યા અવારનવાર સર્જાય છે
નગરમાં અવારનવાર આ નાની સાઇઝના પાઈપ અને ગટરની ટાંકી જામ થઇ જવાના બનાવો સામે આવતા હોય છે. લોકો કચરા સહિતની સામગ્રી પણ ગટર લાઇનમાં નાખી દે છે ત્યારે મુખ્ય લાઇન કે ટાંકીમાં પ્લાસ્ટિકના ઝબલા, તૂટેલા વાસણો તથા ગાભા ફસાઇ જાય છે અને ગટર ઉભરાઈ જાય છે.
સફાઇ કામદારે માંડ લાઇન સાફ કરી
નગરપાલિકા દ્વારા ગટર લાઈન અધતન વાહનથી સફાઇ કરાય ત્યારે અવારનવાર ગાભા, પ્લાસ્ટિકના ડબ્બા, ઝબલા, વાસણો તો નિકળે છે જ છે પણ હવે ગોદડાં પણ નીકળવા લાગ્યા છે. પાઘર દેવી મંદિર નજીક એક ગલીમાં ગટર લાઈનની સફાઈ દરમિયાન ટાંકીમાંથી સો કિલો અનાજ ભરાય તેવો કોથળા તથા ગોદડાં નિકળ્યા હતા. સફાઈ કામદારે મહામહેનતે આ ગલી ની ગટર લાઈન સાફ કરી હતી.
નગરપાલિકા હવે કડક કાર્યવાહીના મૂડમાં
આ અંગે રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઇ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ શહેરના નાગરિકોએ ગટરમાં કચરો, પ્લાસ્ટિકના ગ્લાસ, ઝબલા, ગાભા, થેલી નાખવાની જગ્યા એ નગરપાલિકા ની કચરો લેવા માટે આવતી ગાડીમાં નાખવા અનુરોધ કર્યો હતો. ગટર લાઈન ચોકઅપ થઈ જાય છે એટલે શહેરમાં ગટર લાઈન ઉભરાય છે જો આવી પ્રવૃત્તિ અંગે માહિતી પ્રાપ્ત થશે તો નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA