જામનગર કલેક્ટર તંત્ર દ્વારા લાખાબાવળ ગામે થયેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં મહાનગરપાલિકાના તંત્રએ ગેરકાયદે બાંધકામો તોડવામાં પોરો ખાધા બાદ હવે કલેક્ટર તંત્ર દ્વારા જામનગર ગ્રામ્યમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવીને સરકારની જમીનોના દબાણો દુર કરીને જમીનો ફરી સરકાર હસ્તક કરવામાં આવી રહી છે
દબાણ


જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં મહાનગરપાલિકાના તંત્રએ ગેરકાયદે બાંધકામો તોડવામાં પોરો ખાધા બાદ હવે કલેક્ટર તંત્ર દ્વારા જામનગર ગ્રામ્યમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવીને સરકારની જમીનોના દબાણો દુર કરીને જમીનો ફરી સરકાર હસ્તક કરવામાં આવી રહી છે. તંત્રએ રૂ.10 કરોડની બજાર કિંમત ધરાવતી ગ્રામ પંચાયતની જમીન ઉપરના દબાણો હટાવવા લાખાબાવળ ગામે કામગીરી કરી હતી.

જિલ્લા વહિવટી તંત્રએ જુલાઈ માસની શરુઆતમાં જામનગર એરપોર્ટ જવાના રસ્તાની બરાબર સામે જ સરકારની કરોડો રૂપિયાની જમીન ઉપરના દબાણકાર સામે કોર્ટ આદેશ બાદ કામગીરી કરીને 50 વીઘા ખુલ્લી કરાવવા ખેતરમાં બે ઓરડી અને મકાનોના ડિમોલીશન કરી જગ્યાનો કબ્જો લીધો હતો. આ પછી ત્રણ દિવસ પહેલા શાપર ગામ નજીક 45 જેટલા ગેરકાયદે મકાનો તોડવાની કામગીરી હાથ ધરી હતી ત્યાર બાદ લાખાબાવળ ગામે ખેતીવાળી ગ્રામ પંચાયતની 1.77 હેક્ટર જમીન ઉપરના દબાણો દુર કરવા તંત્રએ કામગીરી કરી હતી.

આ વેળાએ ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી તથા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા દબાણકારોને નોટીસ આપીને દબાણો દુર કરાય છે. પરંતુ સરકારની જમીન ઉપર ગેરકાયદે દબાણો કરનારા સામે લેન્ડ ગ્રેબીંગની કડક કાર્યવાહી શરુ કરવામાં આવે તો સરકારી જમીન ઉપર દબાણ કરનારા ફફડીને જમીનો ખાલી કરવા માંડે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande