જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર જિલ્લાની આંગણવાડીમાંથી ગેસના બાટલા ચોરીને અંજામ આપનાર પ્રાથમીક શાળાના સસ્પેન્ડ શિક્ષક જામનગર એલસીબી પોલીસે પકડી પાડયો છે. ઓનલાઇન જુગારમાં પૈસા હારી જતા ખંભાળીયાના ગાયત્રીનગરમાં રહેતો સસ્પેન્ડેડ શિક્ષક ચોરીના રવાડે ચડ્યો હોવાનું ખુલ્યું છે. તે કોટા ગામની પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ થયો હોવાનું ખુલ્યું છે. આ દરમિયાન 26 ચોરીનો ભેદ ઉકેલાયો છે.
મળતી માહિતી મુજબ, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામાં આંગણવાડીમા ગેસના બાટલાની ચોરી કરનાર પ્રાથમીક શાળા સસ્પેન્ડ આચાર્ય-શિક્ષક કાંતિલાલ ડાયાભાઇ નકુમ (રહે.જામખંભાળીયા) સંડોવાયેલ અને જે હાલ જામનગર તાલુકાના દરેડ ગામે સી.એન.જી પેટ્રોલપંપ નજીક આવેલ અવાવરુ ઓરડીમા ચોરી કરેલ ગેસના બાટલા રાખેલ તે બાટલા સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે. તેવી પોલીસને બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે કાંતિલાલ ડાયાભાઇ નકુમને પકડી પાડયો હતો. પોલીસે તેના કબજામાંથી 30,000 ની કિંમતના ગેસના 18 બોટલા, બાઇક, સળીયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી જામખંભાળીયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળા ના સસ્પેન્ડ આચાર્ય/શિક્ષક છે. ઓનલાઇન જુગારમાં પૈસા હારી જતા ચોરીના રવાડે ખોલ્યું છે.
તે જામનગર, દેવભુમી દ્રારકા, પોરબંદર, જીલ્લામાં આવેલ આંગણવાડીઓની રેકી કરી, આંગણવાડીના દરવાજાના તાળા ડીસમીસ, લોખંડ સળીયાથી તોડી આંગણવાડીમાંથી ગેસના બાટલાની ચોરીને અંજામ આપતો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT