સુરત, 30 જુલાઈ (હિ.સ.)- ઓરલ ડિહાઈડ્રેશન સોલ્યુશન અને સ્તનપાન (બ્રેસ્ટ ફીડિંગ)ના મહત્વને ઉજાગર કરવા અને લોકોને તેના વિશે જાગૃત કરવા દર વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહને ORS અને ઓગસ્ટ મહિના પ્રથમ સપ્તાહને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે નવી સિવિલમાં બાળરોગ વિભાગ તથા ઈન્ડીયન પીડિયાટ્રીકસ એસો., સરકારી મેડિકલ કોલેજ અને સરકારી નર્સિગ કોલેજના સંયુકત ઉપક્રમે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે જીવનરક્ષક જળ (ઓ.આર.એસ) અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
નર્સિંગ વિદ્યાર્થીઓના પોસ્ટર એક્ઝિબિશનને મહાનુભાવોના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના ડો. પ્રિન્સિપાલ ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, દર વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડીયામાં ઓ.આર.એસ (Oral Rehydration Solution) અને સ્તનપાન (બ્રેસ્ટ ફીડિંગ) એ છ મહિના સુધીના બાળકો માટે અમૃત સમાન બની શકે છે. છ મહિનાથી નાના બાળકોમાં ઝાડા-ઉલ્ટી થાય તો બાળકના શરીરમાંથી પાણી, જરૂરી ખનીજ દ્રવ્ય, સોડિયમ પોટેશિયમ ઝાડા વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેથી બાળકોને ડિહાઈડ્રેશન થવાનું જોખમ વધી જાય છે, અને બાળમૃત્યુ પણ થવાની શક્યતા વધે છે. આવા સમયે ઓ.આર.એસ. પીવડાવવાથી ડિહાઈડ્રેશનની ગંભીર તકલીફ નિવારી શકાય છે. નવજાત શિશુના સર્વાંગી વિકાસ અને આરોગ્ય માટે માતાનું દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે બાળકના જન્મ પછી છ મહિના સુધી બાળકની આહારની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
બાળ રોગ વિભાગના પૂર્વ વડા ડો.વિજય શાહે કહ્યું હતું કે, જ્યારે શરીરમાં નબળાઈ અને પાણીની ઉણપ સર્જાય છે ત્યારે ORS સલામત વિકલ્પ બને છે.ORSનો સમયસર ઉપયોગ ડિહાઈડ્રેશનને જીવલેણ બનતા અટકાવી શકે છે. એવામાં જનજાગૃતિ એ સૌથી મોટું હથિયાર છે. સાથે જ જનજાગૃતિ અભિયાન દ્વારા બાળકો, માતાઓ તંદુરસ્ત રહે, અને સ્વસ્થ સમાજ રચાય એ દિશામાં પ્રયાસ ચાલી રહ્યા છે.
સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ અને બાળ રોગ વિભાગના પૂર્વ વડા ડો.વિજય શાહના હસ્તે પોસ્ટર પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ડિહાઈડ્રેશન સામે ઘરેલું રક્ષાકવચ એક ચપટી મીઠું, એક મુઠ્ઠી ખાંડ અને એક ગ્લાસ પાણી અને લીંબુનો રસ એ અતિ ઉત્તમ પ્રયોગ છે. કોઈ પણ આરોગ્યલક્ષી શિક્ષણ સમાજ સુધી પહોંચાડવામાં તબીબો સાથે નર્સિંગ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ કડી સમાન હોય છે. આરોગ્ય ક્ષેત્રે પરિશ્રમના પ્રતીકોમાંની એક નર્સ છે. ઉત્કૃષ્ટ તબીબી સારવાર સાથે સમકાલીન ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને કરૂણામય નર્સિંગ થકી સમાજના આરોગ્ય સુખાકારીમાં સકારાત્મક સુધાર કરવાના ઉદ્દેશથી દરેક પરિસ્થિતિમાં પોતાની સેવાપૂર્તિમાં નર્સિંગ સ્ટાફ સમર્પિત હોય છે.
છેલ્લા ઘણા વર્ષો બાળ રોગ વિભાગ, પિડીયાટ્રિક્સ એસો. સુરતના નેજા હેઠળ ઈન્ડીયન પીડિયાટ્રીક એસો. અને સુરત પિડીયાટ્રિક્સ એસો. તેમજ સરકારી મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઓઆરએસ અને સ્તનપાન સપ્તાહની ઉજવણીના અવસરે જનજાગૃતિ માટે નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પોસ્ટરોમાંથી સૌથી શ્રેષ્ટ પોસ્ટર બનાવનારને મહાનુભાવોના હસ્તે ઈનામ અપાયું હતું.
આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, ઈન્ચાર્જ આરએમઓ ડો.ભરત પટેલ, બાળરોગ વિભાગના ઈન્ચાર્જ HOD યોગેશ પરીખ, સિનિયર પીડિયાટ્રીશ્યન ડો.દિગંત શાસ્ત્રી અને પૂર્વ વડા ડો.વિજય શાહ, સુરત પિડીયા. એસો.ના પ્રમુખ ડો.ફાગુન શાહ, ડો.અશ્વિની શાહ, પિડીયાટ્રિક્સ વિભાગના ફેકલ્ટી ડો.પ્રફુલ બાંભરોલીયા સહિત નર્સિગ કોલેજના પ્રોફેસરો, હેડનર્સ, સ્ટાફનર્સ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે