જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલીએ શિક્ષણ વિભાગમાં ચર્ચા જગાવી છે. બીજી તરફ આ શિક્ષકોએ શાસનાધિકારીને બે દિવસમાં શિક્ષાત્મક કાર્યવાહી રદ્ નહીં કરવામાં આવે તો કોર્ટમાં ન્યાય માંગવામાં આવશે તેવી ચિમકી આપી છે.
જામનગરની શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકો શૈલેષભાઈ સીમરિયા, દિપ્તિબેન પરમાર અને પ્રીતિબેન ડાભીની શિક્ષાત્મક પગલાં સામે રાતોરાત બદલી કરી નાખવામાં આવતા શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.
આ ત્રણેય શિક્ષકોએ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવી પોતાની સામે લેવાયેલ શિક્ષાત્મક પગલાં અને બદલીના પગલાં અંગે પૂર્નવિચાર કરવો જોઈએ અને જો બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો લડત આપવામાં આવશે અને જરૂર પડ્યે હાઈકોર્ટમાં કેસ પણ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે. આ બે દિવસની મુદત આજે પૂર્ણ થઈ છે, ત્યારે હવે આ પ્રકરણમાં શું થાય છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT