જામનગરની પ્રતિષ્ઠિત સરકારી ડીકેવી કોલેજમાં લાભશંકર પુરોહિત વિશે વ્યાખ્યાન યોજાયું
જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરની ડીકેવી કોલેજમાં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વ અને કૃતિત્વ પર વ્યાખ્યાન યોજાયું હતું. સાહિત્ય અકાદમી, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર અને ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરના સંયુક્ત ઉ
DKV કોલેજ


જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગરની ડીકેવી કોલેજમાં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વ અને કૃતિત્વ પર વ્યાખ્યાન યોજાયું હતું. સાહિત્ય અકાદમી, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર અને ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરના સંયુક્ત ઉપક્રમે 'મારી બારીએથી’ શીર્ષકથી લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વ અને કૃતિત્વ પર નીતિન વડગામાનું મનનીય વ્યાખ્યાન યોજાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે કોલેજની વિદ્યાર્થિની દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય પી.વી.બાણગોરિયાએ મહેમાનોને પુષ્પગુચ્છથી તેમજ શબ્દૌથી સ્વાગત કર્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.હિરજી સિચ દ્વારા કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લાભુ દાદા (લાભશંકર પુરોહિત) આ કોલેજના ગુજરાતી વિષયના ભૂતપૂર્વ અધ્યાપક અને આચાર્ય રહી ચૂક્યા હતા. તેઓ માત્ર જામનગરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વંદનીય વિદ્યાપુરૂષ હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને વક્તા નીતિન વડગામા દ્વારા લાભુદાદાના વ્યક્તિત્વ અને સર્જકત્વના વિધવિધ પાસાને રજૂ કરવામાં આવ્યા હતા. આરંભે એમણે એમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે લાભુદાદામાં પ્રામાણિક્તા, પારદર્શકતા, નિખાલસતા, અધ્યાત્મિક ઊંચાઈ વગેરેના ઊંડાણથી દર્શન થાય છે.

તો સામે પક્ષે સર્જક તરીકે એમણે જે પુસ્તકો આપ્યા એમના વિશે પણ ગહન ચર્ચા કરી. ફલશ્રુતિ, અંત: શ્રુતિ, શબ્દપ્રત્ય અને લોકોનુસંધાનને કેન્દ્રમાં રાખી એમણે કરેલ સૈદ્ધાંતિક વિવેચન અને પ્રત્યક્ષ વિવેચનની વિશિષ્ટતાઓ ચીંધી બતાવી હતી. મધ્યકાળ, અર્વાચીનકાળ, સૈદ્ધાંતિક વિવેચન, લોકસાહિત્ય, કથાસાહિત્ય વગેરેમાં કરેલું વિવેચન એમણે ઉદાહરણ સાથે રજૂ કરેલ હતું.

કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થિની મહેક કક્કડ અને હેત્વીબા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ લેવા માટે સતિષચંદ્ર વ્યાસ, મનોજ જોશી ’મન’, ભરતભાઈ કાનાબાર જેવા જાગૃત નગરજનો અને ભાવકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.હીરજી સિંચ દ્વારા કોલેજના આચાર્ય પી.વી.બાણગોરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. કાર્યક્રમના અંતે ગુજરાતી વિભાગના અધ્યાપક ડો.વિનોદ જાડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande