ભુજ - કચ્છ, 31 જુલાઈ (હિ.સ.) કચ્છમાં ધરતીકંપના આંચકા આવવા એ કંઇ નવી વાત નથી રહી પરંતુ સુષુપ્ત ફોલ્ટલાઇન ઉપર અચાનક જ ભૂકંપ આવવો એ ચિંતાજનક છે. હાલમાં ભુજ તાલુકાના સરહદી વિસ્તાર એવા ગોરા ડુંગરની નીચે 4ની તીવ્રતાનો આવેલો ભૂકંપ જૂની ફોલ્ટલાઇન સક્રિય થતી હોવાની ચેતવણી આપી ગયો છે. દરમિયાન, આજે ગુરુવારે સવારે રાપર તાલુકાના ગેડી વિસ્તારમાં ચાર વર્ષ બાદ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે જે પણ લાંબા ગાળે નોંધાયો હોવાથી ચિતા પ્રેરે છે.
જૂની ફોલ્ટલાઇનમાં અચાનક કંપન એ વધુ ચિંતાજનક
જૂની અચાનક થયેલી સક્રિય ફોલ્ટલાઇન ઉપરના આંચકાના લીધે ભૂસ્તરશાસ્ત્રીઓ તેમના સંશોધનના આધારે કહી રહ્યા છે કે કચ્છમાં હજુ ચેતી જવું પડશે. કારણ કે આ ફોલ્ટલાઇન ઉપરાંત મકરાન ટાપુ, કટ્રોલ હિલ અને ભુજના દેશલપર નજીકની નાયરા નદીની ફોલ્ટલાઇન ઉપર લાંબા સમયથી કંપન થયું નથી પરંતુ તે જમીનની રચનાના આધારે એમ માનવામાં આવી રહ્યું છે કે, આ સુષુપ્ત ફોલ્ટલાઇન ગમે ત્યારે મોટા ભૂકંપનું જોખમ ઊભું કરી શકે એમ છે.
ભુજ તાલુકાના સરહદી ગોરા ડુંગર અને હવે ગેડી…..
કચ્છ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક અને ભૂસ્તરશાસ્ત્રી ડો. ગૌરવ ચૌહાણે કહ્યું કે, રાપર તાલુકાના ગેડી-બેલા વિસ્તારની ભૂમિ આજે સવારે 9.52 વાગ્યે 3.3ની તીવ્રતાથી ધણધણી ઉઠ્યા બાદ ચિંતા વધી છે. ડો. ચૌહાણના કહેવા મુજબ, જ્યાં નિયમિત કંપન આવતાં રહે છે તે ફોલ્ટલાઇન માટે કોઇ ચિંતા નથી. પરંતુ ભુજના ગોરા ડુંગર કે રાપરના ગેડી વિસ્તારમાં આવેલા આંચકા ભાવિ જોખમની ચેતવણી સમાન છે. કારણ કે, ગોરા ડુંગર નીચેથી ઊર્જા છૂટી પડી નથી અને દાયકાઓથી અહીં ભૂકંપ નથી આવ્યો. જો અચાનક જ 4ની તીવ્રતાનો આંચકો આવે તો સમજી લેવું કે એ ફોલ્ટલાન સક્રિય છે પણ તેની ઊર્જા છૂટી પડતી નથી અને અચાનક જ જો આમ ભારે તીવ્રતાથી છૂટી પડે તો જોખમી બની શકે તેમ છે.
મકરાન ટાપુ વિસ્તારમાં જો ભારે કંપન થાય તો ગુજરાતને પણ જોખમ
આ ઉપરાંત ઇરાન અને પાકિસ્તાનને જોડતા મકરાન ટાપુ વિસ્તારમાં નોંધપાત્ર ભૂકંપ ફોલ્ટ લાઇનો છે, તે ઈરાન અને પાકિસ્તાન બંનેના દરિયાકાંઠાના પ્રદેશોમાં ફેલાયેલો છે. આ ભૂકંપની રીતે સક્રિય ઝોન યુરેશિયન પ્લેટની નીચે અરબી પ્લેટના સબડક્શન દ્વારા વર્ગીકૃત થયેલ છે. 1945થી 50 ના અરસામાં અહીં આવેલો ભૂકંપના લીધે ઓમાન સહિતના વિસ્તારોમાં સુનામી આવી હતી અને સૌરાષ્ટ્ર તથા કચ્છના પિંગલેશ્વર સુધી તેની અસર વર્તાઇ હતી. પ્રો. ડો.ગૌરવ ચૌહાણના દાવા મુજબ, આ ફોલ્ટલાઇન્સ ઉપર લાંબા સમયથી મોટા કંપન નથી આવ્યા તે કચ્છ ગુજરાત સહિતના ભાગો માટે ચિંતા પ્રેરે છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA