ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓની ઘટનો મુદ્દો કાયમી છવાયેલો રહે છે ત્યારે સ્થાનિક સંગઠનો પણ હવે વિરોધરુપે મેદાનમાં આવ્યા છે. પરિણામે રાજકીય રીતે કોંગ્રેસને જ્ઞાન લાદ્યું હોય તેમ અચાનક જ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામો કરીને શિક્ષકોની ઘટ પૂરી કરવાની માગણીઓ સુત્રોચ્ચાર સાથે કરી હતી.
સભાખંડ સુધી પહોંચ્યો બહારી રાજકીય વિરોધ
કચ્છ જિલ્લા પંચાયતની ચાલી રહેલી સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના જિલ્લાસ્તરના આગેવાનો અને કાર્યકરો ભવનમાં પહોંચી ગયા હતા. ભારે સુત્રોચ્ચાર વચ્ચે માઇક તોડવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિહ સ્ટેજ ઉપર ઉભા જોવા મળ્યા હતા. નોંધનિય છે કે, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોઇપણ પ્રમુખના કાર્યકાળમાં આ પ્રકારનો બહારી રાજકીય વિરોધ થયો હોય એમ નોંધાયું નથી. સત્તાધારી ભાજપની નબળી નેતાગીરી કે વહીવટી અણઆવડતના પરિણામે લોકોના કામો માટે ચાલતી સામાન્ય સભા અટવાઇ જાય તે કેમ ચલાવી શકાય તેવા સવાલો પણ ઉભા થયા છે.
બંને પક્ષના લોકો વચ્ચે ઝપાઝપી
કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોનું ટોળું અંદર ધસી આવતાં અરાજકતા સર્જાઈ હતી અને કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરી કરોના નારા સાથે સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવ્યો હતો. આ હંગામા દરમ્યાન બંને પક્ષના સભ્યો વચ્ચે ઝપાઝપી થકી આગળની હરોળમાં બેઠેલા પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ રાજપૂતના ટેબલનું માઈક તોડી પાડી પૂર્વ મહિલા પ્રમુખ પારુલબેન પર ફેંકાતાં એક તબક્કે ગરમાગરમી સર્જાઈ હતી.
આખરે પોલીસ બોલાવવી પડી
બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદ પોલીસને બોલાવવી પડી હતી, જેમાં પશ્ચિમ કચ્છ ડીવાયએસપી એમ. જે. ક્રિશ્ચિયન, ભુજ એ-ડિવિવઝન પી.આઈ.-એલસીબી પીઆઈ સહિતના કાફલાએ મોરચો સંભાળી કોંગ્રેસના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA