ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં ગૌવંશ રોડ ઉપર આવી ગયા બાદ અકસ્માતના બનાવો બનતા હોય છે. ખાસ કરીને આખલા યુદ્ધના લીધે નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકો ભોગ બનતા હોય છે. તેવામાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામની પંચાયત દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરાયું છે. જો પંચાયત દ્વારા આવું અભિયાન શરૂ કરાતું હોય તો તાલુકા મથકે નખત્રાણા પાલિકાના સત્તાધિશો ન કરી શકે? તેવા સવાલો નગરજનોમાં સામે આવ્યા છે.
થોડા દિવસ પહેલાં વૃદ્ધે જીવ ખોયો હતો
માહિતી મુજબ, નખત્રાણામાં નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા પાડી છે છતાં હજુ સુધી કામદારો કે વાહનો મળતા નથી. ઢોરોના લીધે તાજેતરમાં જ નાની વિરાણી ગામના આધેડ ને હડફેટે લેતા મૃત્યુ થયું હતું. ગ્રામજનોની રજૂઆતોના અંતે આખરે ગ્રામ પંચાયત દ્વારા આખલા પકડવાનું શરૂ કરાયું હતું ટ્રેક્ટર અને યુવાનોની મદદથી શેરીએ શેરીએ આખલા પકડવાનું ચાલુ કરાયું હતું. મોટી વિરાણી ગામે પણ લાંબા સમયથી આખલાઓના ત્રાસથી લોકો કંટાળી ઉઠયા હતા જાહેર માર્ગો પર આખલાઓ ના યુદ્ધ થતા પસાર થતા વાહનચાલકો અને લોકો ને ભયભીત થતા હતા.
ઢોરોને ગૌશાળામાં મૂકવામાં આવ્યા
મોટી વિરાણી જુથ ગ્રામ પંચાયત ને રજુઆત કરતા રખડતાં ઢોરને પકડીને ગૌ શાળા મુકવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બડીયા, ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બડીયા, રામજીભાઈ મીઠું ગોરડિયા, શંકરભાઈ પરગડુ અન્ય લોકો રખડતા ઢોરને પકડી પાડવા જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA