જામનગર જિલ્લામાં વરસાદના વિરામ અને સતત વાદળછાયા વાતાવરણથી મગફળી-કપાસના પાકને નુકશાનની ભીતિ
જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં વરસાદના વિરામ અને સતત વાદળછાયા વાતાવરણથી મગફળી અને કપાસના પાકને નુકશાનની ભીતી ઉભી થઇ છે, કારણ કે હાલમાં જિલ્લામાં મોટાભાગના ખેડુતો પાણીની ખેંચ અનુભવી રહ્યા છે, આથી જો મગફળી અને કપાસના પાકને પુરતું પાણી નહીં
કપાસ મગફળી


જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં વરસાદના વિરામ અને સતત વાદળછાયા વાતાવરણથી મગફળી અને કપાસના પાકને નુકશાનની ભીતી ઉભી થઇ છે, કારણ કે હાલમાં જિલ્લામાં મોટાભાગના ખેડુતો પાણીની ખેંચ અનુભવી રહ્યા છે, આથી જો મગફળી અને કપાસના પાકને પુરતું પાણી નહીં મળે તો છોડમાં ફુલ ઉગશે અને પાકનો વિકાસ રૂધાવાથી ઉત્પાદન અને ગુણવતાને ફટકો પડવાની પુરેપુરી શકયતા હોય ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં ચાલું વર્ષે સૌથી વધુ મગફળીનું ૨૨૧૫૭૮ હેકટર વાવેતર અને કપાસનું ૮૭૧૫૭ હેકટર જમીનમાં વાવેતર થયાનું નોંધાયું છે.

જામનગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫ જુનના વિધીવત રીતે ચોમાસાનું આગમન થયું હતું, મેઘરાજાએ સચરાચર મહેર કરતા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૭.૩૩ ટકા વરસાદ વરસી ચૂકયો છે, પરંતુ છેલ્લા પખવાડીયાથી મેઘરાજાએ વિરામ લીધો છે, આટલું જ નહીં સતત વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી, આ સ્થિતિમાં વરસાદના વિરામ અને સતત વાદળછાયા વાતાવરણને કારણે મગફળી અને કપાસના પાકને નુકશાનીની ભીતિ ઉભી થઇ છે, જિલ્લામાં ચાલું વર્ષે ચાલું વર્ષે તલ, અડદ, મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી સહિત જુદા-જુદા પાકનું કુલ ૩૩૩૪૩૯ હેકટર જમીનમાં વાવેતર થયાનું નોંધાયું છે, જેમાં સૌથી વધુ મગફળીનું ૨૨૧૫૭૮ અને કપાસનું ૮૭૧૫૭ હેકટર જમીનમાં વાવેતર થયું છે, પરંતુ પખવાડીયા કરતા વધુ સમયથી મેઘરાજાએ મહદઅંશે વિરામ લેતાં અને વાદળછાયા વાતાવરણને કારણે વરાપ પણ ન નિકળતા જિલ્લાના મહત્વના મગફળી અને કપાસના પાકને નુકશાનની ભીતિ ઉભી થઇ છે.

કૃષિ તજજ્ઞોના જણાવ્યા અનુસાર વરસાદે વિરામ લેતાં હાલમાં મોટાભાગના ખેડુતો પાણીની ખેંચ અનુભવી રહ્યા છે, આથી જો સમયસર વરસાદ નહીં થાય તો અને ખેડુતો મગફળી અને કપાસને પાણી નહીં આપી શકે તો બંને પાકમાં છોડ પર ફુલ આવશે જેના કારણે છોડનો વિકાસ રૂધાય જશે, છોડમાં ફુલ આવશે તો છોડ મોટો થઇ શકશે નહીં, આથી કપાસ અને મગફળીના ઉત્પાદન તથા ગુણવતા બંનેને ફટકો પડવાની શકયતા નકારી શકાતી નથી. મેઘરાજાએ વિરામ લેતાં અને સતત વાદળછાયા વાતાવરણને કારણે મગફળી અને કપાસના પાકમાં છોડ ઉગવાથી અને નુકશાનની ભીતિથી મોઢે આવેલો કોળીયો ઝુટવાઇ જવા જેવી સ્થિતિથી ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande