અમરેલી જિલ્લામાં અહીં મળી રહે છે, શ્રાવણ માસની ફરાળી વસ્તુઓ
અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) શ્રાવણ માસ શરૂ થતાં જ ગુજરાતભરના અનેક વિસ્તારોમાં ધાર્મિકતા અને ઉપવાસની પરંપરા જીવંત થઇ જાય છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે ફરાળી ખાદ્યપદાર્થોની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઉપવાસ કરનાર લોકો મા
અમરેલી જિલ્લામાં અહીં મળી રહે છે શ્રાવણ માસની ફરાળી વસ્તુઓ


અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) શ્રાવણ માસ શરૂ થતાં જ ગુજરાતભરના અનેક વિસ્તારોમાં ધાર્મિકતા અને ઉપવાસની પરંપરા જીવંત થઇ જાય છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે ફરાળી ખાદ્યપદાર્થોની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઉપવાસ કરનાર લોકો માટે ખાસ બનાવવામાં આવતા ફરાળી ચેવડો, વેફર, સાબુદાણા અને મીઠા ચેવડાની વેચાણમાં ઝંપલાવ થયો છે.

અમરેલી શહેરના વેપારી વિક્રમભાઈ પટેલ જણાવે છે કે, “હું છેલ્લા કેટલાય વર્ષોથી ફરાળી વસ્તુઓનું વેચાણ કરું છું. દર વર્ષે શ્રાવણ માસ આવે એટલે ફેરફાર પણ આવી જાય છે. લોકો ઉપવાસ કરે છે, ત્યાજ દિવસોમાં ફરાળી ચેવડો, વેફર અને સાબુદાણાની માંગ ઘણી વધી જાય છે. હાલની સ્થિતિ જોતા હું દિવસે આશરે 50 કિલોગ્રામથી વધુ ફરાળી વસ્તુઓનું વેચાણ કરું છું.”

ફરાળી ચેવડો અને વેફરની કિંમતમાં પણ વધારો

આ વર્ષે પણ સામાન્યથી લઈને વિશિષ્ટ પ્રકારના ફરાળી ચેવડાનું વેચાણ વધી ગયું છે. 500 ગ્રામ ફરાળી ચેવડાનું ભાવ રૂ. 80 થી શરૂ થઈ રૂ. 130 સુધી પહોંચી રહ્યું છે. ભાવમાં આ તફાવત તેમનું ગુણવત્તા અનુસાર તેમજ કંપનીના બ્રાન્ડ અથવા ઘરગથ્થું બનાવટ પ્રમાણે છે. લોકલ રીતે ઘરમાં બનેલો ચેવડો વધુ માગમાં જોવા મળ્યો છે, કેમ કે લોકો તેને શુદ્ધ અને સાત્વિક માને છે.

250 ગ્રામના ફરાળી વેફરનું ભાવ રૂ. 55 થી 65 સુધી બોલાઈ રહ્યું છે. ખાસ કરીને કેળાની વેફરની માંગ શ્રાવણ માસમાં ખૂબ જ વધી જાય છે. હાલ 50 ગ્રામ કેળાની વેફરનો ભાવ રૂ. 20 થી 25 સુધી પહોંચી ગયો છે. વણફ્રાયડ તથા ઓઇલ ફ્રી વિકલ્પ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

મીઠા ચેવડાની પણ ભારે માંગ

મીઠા ચેવડાનું વેચાણ પણ નોંધપાત્ર રહ્યું છે. ખાસ કરીને એક કિલોના મીઠા ચેવડાનું ભાવ રૂ. 110 થી 180 સુધી બોલાઈ રહ્યું છે. અહીં પણ બ્રાન્ડેડ અને ઘરગથ્થું બનાવટ ઉપર ભાવમાં તફાવત જોવા મળે છે. અમરેલીના કેટલાક ઉદ્યોગકારો અને ઘરગથ્થું મહિલાઓ પણ ઘરે બનતી ફરાળી વસ્તુઓ બજારમાં વેચી પોતાના રોજગારની તક બનાવી રહ્યા છે.

ફરાળી લોટની માંગમાં પણ વધારો

ફરાળી વાનગીઓ બનાવવા માટે ફરાળી લોટ, જેમ કે શિંગદાણાનો લોટ, રાજગિરા લોટ, સમોનો લોટ વગેરેની માંગ પણ વધતી જાય છે. કેટલાક ઘરોમાં ઉપવાસ દરમિયાન ખીર, થાળીપીઠ અથવા અથાણાંવાળી વાનગીઓ માટે આ લોટોનો ઉપયોગ થાય છે. કેટલીક દુકાનોમાં તો ખાસ રૂ. 250 થી શરૂ થતા ફરાળી કિટ પણ વેચાઈ રહી છે જેમાં સાબુદાણા, મીઠું, ચીણી, લોટ અને અન્ય સામગ્રી શામેલ હોય છે.

સ્થાનિક વેપારીઓ માટે સિઝન વરદાનરૂપ

શ્રાવણ માસના શરૂ થતા જેમ જેમ ઉપવાસ અને ધાર્મિક કાર્યક્રમો વધે છે, તેમ તેમ ફરાળી વસ્તુઓનું બજાર પણ ગરમાય છે. અમરેલી શહેરના વેપારીઓ માટે આ મહિનો વેચાણમાં ઉછાળો લાવતો હોય છે. કેટલાક લોકો તો એકસાથે આખા મહિનાનું સ્ટોક પણ ખરીદી લે છે જેથી વારંવાર બજાર જવાનું ન પડે.

આ રીતે જોવા જઈએ તો શ્રાવણ મહિનામાં ઉપવાસ અને ધાર્મિક વર્તન સાથે જોડાયેલા પારંપરિક ખાદ્યપદાર્થો માટેનો શ્રદ્ધા અને સ્વાદ ભરેલો વ્યવસાય અમરેલીમાં ખુબજ જીવંત બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande