નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત 4 થી 8 ઓગસ્ટ સુધી રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ માર્કોસની સાથે, તેમના પત્ની લુઇસ અરેનેટા માર્કોસ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ માર્કોસ બેંગલુરુની પણ મુલાકાત લેશે.
આજે વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ માર્કોસની આ ભારતની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન, 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ માર્કોસ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ માર્કોસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ, રાષ્ટ્રપતિ માર્કોસને મળશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ફિલિપાઇન્સના રાજદ્વારી સંબંધો નવેમ્બર 1949 માં સ્થાપિત થયા હતા. ત્યારથી બંને દેશોએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઇ સહયોગ, કૃષિ, આરોગ્ય, દવા અને ડિજિટલ ટેકનોલોજી જેવા ઘણા ક્ષેત્રોમાં મજબૂત ભાગીદારી વિકસાવી છે. બંને દેશો પ્રાદેશિક સ્તરે પણ ગાઢ રીતે જોડાયેલા છે. આમાં આસિયાન સાથે ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ