જામનગર, 31 જુલાઈ (હિ.સ.) : રાજકોટમાં રહેતા વેપારી યુવાનનો 15 લાખ રૂપિયાની કિંમતનો ફ્લેટ જામનગરમાં રહેતા શખ્સે હડપ કરી લીધો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જે મામલે પોલીસે આરોપી સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના અયોધ્યા ચોક,રાધા રેસીડન્સી 02, બ્લોક નં 36માં રહેતા ખોડુભાઇ ભગવાનજીભાઇ બરબસીયા એ આરોપી મુકેશભાઇ તેજાભાઇ માખેલા (રહે મંગલબાગ સોસાયટી શેરી નં-02, શ્યામ એપાર્ટમેન્ટ, ચોથા માળ, ફલેટ નં-402, જામનગર) સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર ખેડુભાઈ જામનગર શહેરના સીટી સર્વે વિસ્તારમા સમાવિષ્ટ વોર્ડ ન-10, શીટ ન-236, સીટી સર્વે નં-1762/3 વાળી જગ્યા પર બાંધવામા આવેલ શ્યામ એપાર્ટમેન્ટ ચોથો માળ, ફલેટ નં-402 ની ખરીદી કરી હતી. ફરિયાદીએ આ મીલકત વેચાણ દસ્તાવેજ નં-4370 તા-03/09/2020 થી તેજાભાઇ દેવાભાઇ માખેલા પાસેથી ખરીદી હતી.
જેના રૂ.15,00,000 રૂપિયામાં ખરીદી પેટે આપ્યા હતા. છતાં પણ આ ફલેટમા આરોપી મુકેશભાઇ તેજાભાઇ માખેલા (રહે મંગલબાગ સોસાયટી શેરી નં-02, શ્યામ એપાર્ટમેન્ટ,ચોથા માળ, ફલેટ નં-402, જામનગર) એ ફલેટ માં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ફરીયાદીની મિલ્કતનો કબ્જો કરી લીધો હતો. જેને લઇને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપી સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક કલમ-4(3),5(ગ) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT