પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને એક ગંભીર મુદ્દો ચર્ચાઈ આવ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન પરમારે આક્ષેપ કર્યો કે પાટણમાં નકલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ચાલે છે અને એક જ વ્યક્તિના ઘરમાંથી સર્વિસ બુક સહિતની કામગીરી થાય છે. તેમણે દાવો કર્યો કે આ કામગીરી માટે પૈસા પણ વસુલવામાં આવે છે અને આ બાબતે પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નારેદ્રસિંહ ચાવડાએ જવાબ આપ્યો હતો કે જો પુરાવા ઉપલબ્ધ થશે તો આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ મુદ્દો વધુ ગંભીર બન્યો ત્યારે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રવીણ પરમારે પણ માહિતી આપી કે છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણ સમિતિ હેઠળના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ, પેન્શન અને અન્ય કેસોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
પ્રવીણભાઈએ દાવો કર્યો કે એક શિક્ષક પોતાનાં ઘરમાંથી નકલી કચેરી ચલાવી રહ્યો છે અને તેઓ પાસે પુરાવા તેમજ સીસીટીવી ફૂટેજ પણ છે. તેમણે વહીવટી તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે પાટણની એક સોસાયટીમાં નોકરી કરતો શિક્ષક આ કચેરીનું સંચાલન કરે છે. તેમની પુષ્ટિમાં જણાવ્યું કે ગયા પાંચ વર્ષથી સર્વિસ બુકમાં એ જ વ્યક્તિના હસ્તાક્ષર જોવા મળે છે.
આ શિક્ષક દરેક કેસ તૈયાર કરવા માટે રૂ. 5,000થી વધુ રકમ ઉઘરાવે છે અને તાલુકા તથા જિલ્લા કક્ષાએ તેનું વહેણ પણ થાય છે એવો આરોપ મૂકાયો છે. પ્રવીણભાઈએ વધુમાં દાવો કર્યો કે તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના એરિયર્સ માટે રૂ. 15,000 પ્રતિ શિક્ષક ઉઘરાવા આવી છે અને અંદાજે 7-8 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયું છે.
આ તમામ ગંભીર આક્ષેપોને લઈ હવે વહીવટી તંત્રની દિશામાં ધ્યાન ગયું છે અને કાર્યવાહી અંગેની આશા વ્યક્ત કરવામાં આવી છે. સભામાં ઉપસ્થિત અધિકારીઓએ કેસની ગંભીરતા સમજીને યોગ્ય પગલા ભરવાની ખાતરી પણ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર