સુરત, 31 જુલાઈ (હિ.સ.)- શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં નજીવી બોલાચાલીમાં મામલો બિચકયો હતો અને હત્યાની કોશિશ સુધી પહોંચી ગયો હતો. એક કિશોર સહિત બે યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર મારી છાતીમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે અમરોલી પોલીસે કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ત્રણેયને ઝડપી પાડ્યા છે.
બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં એચ વનમાં રહેતા ઝાકીર ઈબ્રાહીમ શેખ મરઘીની દુકાન ચલાવે છે. ગત તારીખ 29/7/2025 ના રોજ રાત્રે 11:00 વાગ્યાના અરસામાં ઝાકીર શેખનો ભાઈ તોફિક કોસાડ આવાસ એચ વનમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે બકા એ તથા વિકિ સોનવણે અને અન્ય રાઠોડ યુવકે ભેગા મળી તોફીકને સામે કેમ જુએ છે તેમ કહીને એલફેલ ગાળો આપી હતી. જેથી તોફીકે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય મિત્રોએ આજે તને પૂરો કરી દેવો છે તેવું કહીને વિકી સોનાવણેએ તોફિકને પકડી રાખ્યો હતો અને ક્રિષ્ના ઉર્ફે બકો તથા તેની સાથેના રાઠોડ યુવકે ભેગા મળી તેને ઉપરા છાપરી ધિક મુક્કીનો ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત પોતાની પાસે રહેલ ચપ્પુ કાઢી તોફિક ને ઉપરાછાપરી પગમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત છાતીમાં પણ ઘા ઝીંકી દઈ હત્યાની કોશિશ કરી હતી. જેથી આખરે તોફીક લોહી લોહાણ થઈ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ઝાકીર શેખે આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. જોકે ત્રણ પૈકી એકની ઉંમર 18 વર્ષ કરતાં નાની છે. જેથી પોલીસે અન્ય બેની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે