સુરત, 31 જુલાઈ (હિ.સ.)-રિંગ રોડ, ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડનો ધંધો કરતા વેસુના વેપારી સાથે જમીનના ધંધાના બહાને તેના સસરા લોકનાથ ગંભીર સહિત પરિવારે 90 લાખનો ફ્રોડ કર્યો છે. ભરથાણા વેસુ વિસ્તારમાં આવેલ જમીન ભાગીદારીમાં ખરીદ્યા બાદ સાસરીયા પરિવારે જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધો હતો. આટલું ઓછુ હોય તેમ ગંભીર પરિવારે સ્ટેમ્પ ડ્યુટી અને ઈન્કમ ટેક્ષની ચોરી કરવા માટે બોગસ સ્ટેમ્પ પેપર ઉપર જૂની તારીખના રોજના બોગસ સાટાખત ઉભા કર્યા હતા. આ અંગે વેપારીને ખબર પડતા ગતરોજ સસરા લોકનાથ ગંભીર, સાસુ અને સાળા સામે ફરિયાદ નોધાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વેસુ, યુનીકોન પ્લાઝામાં રહેતા અને રિંગ રોડ, અશોકા ટાવરમાં રીંકેશ સારીઝના નામથી કાપડનો વેપાર ધંધો કરતા 46 વર્ષીય ગૌરવકુમાર મદનલાલ જુનેજાએ ગતરોજ તેના સસરા લોકનાથ લુરીંડારામ ગંભીર, સાસુ મોનરમારાણી ઉર્ફે મનોરમાબેન લોકનાથ ગંભીર અને હાર્દિક લોકનાથ ગંભીર (રહે, ગંભીર ફાર્મ હાઉસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ) સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુંં કે બંને પરિવાર વચ્ચે 1998થી પારિવારીક સંબંધો ચાલી આવ્યા છે. 1999માં અલથાણ વેસુ વિસ્તારમાં આવેલ અલગ અલગ જમીનો ભાગીદારીમાં ખરીદી તેના દસ્તાવેજ ગૌરવકુમાર અને ગંભીર પરિવારની શિવશક્તિ ડેલવોપર્સ નામે કર્યા હતા. દરમિયાન ભરથાણા વેસુ સર્વે નં-116- B, ટી.પી.સ્ક્રીમ નં-65, ફાયનલ પ્લોટ નં- 9 વાળી જમીનમાં તેઓએ 90 લાખ આપ્યા હતા.આ પૈસા તેઓએ સસરા લોકનાથ ગંભીર અને સાસુ મનોરમારાણી ઉર્ફે મનોરમાબેનને ચેકથી આપ્યા હતા. જયારે બાકીના રૂપિયા રોકડથી લીધા હતા. જેની સાથે તેઓએ ડાયરી લખી આપી હતી. ગંભીર પરિવારે સ્ટેમ્પ ડ્યુટી અને ઈન્કમ ટેક્ષની ચોરી કરવા માટે 25 માર્ચ 2008ના રોજના બોગસ સ્ટેમ્પ પેપર ઉપર જૂની તારીખનો 31 માર્ચ 2008ના રોજનો સાટાખત તાજેતરમાં ઉભો કરી જમીન 2008થી જ જે.બી. ડેવલોપર્સ ભાગીદારી પેઢીના નામે ખરીદ કરવામાં આવી હોય તેવુ ચિત્ર ઉભુ કરવામાં આવ્યું હતુ. ગૌરવકુમાર જુનેજાની મિલકત પચાવી પાડવા માટે ગંભીર પરિવારે સાટાખતના આધારેï વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લઈ તેમની સાથે છેતરપિંડી કરી હતી. ગૌરવકુમારની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે ગંભીર પરિવાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે