સુરત, 31 જુલાઈ (હિ.સ.)-દોઢ વર્ષ અગાઉ વરાછા વિસ્તારમાં રહેતી યુવતીએ વતનમાં બે વ્યક્તિઓ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધી સાળા બનેવી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી જ્યારે સુરતમાં રહેતી હતી ત્યારે તેના કાકાના ઘરે આવતા યુવકે તેની સાથે મિત્રતા કરી મીઠી મીઠી વાતો કરી લલચાવી ફોસલાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમયે યુવકે યુવતીના બિભસ્ત ફોટો વીડિયો પણ લઈ લીધા હતા. પરંતુ યુવતી સુરત છોડીને વતન જતી રહેતા યુવકે ત્યાં પણ તેનો પીછો કરી તેના કઝીન સાળાને મોકલાવી તેની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ તેની સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી યુવતીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે અગાઉ વરાછા વિસ્તારમાં કાકા કાકી ના ઘરે રહેતી યુવતી ચોલી ભરતનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. આ સમયે કાકીના સબંધી મહેન્દ્ર આતુભાઇ મકવાણા (મૂળ સીમર ગામ ઉના) તેના ઘરે અવારનવાર બેસવા માટે આવતો હતો. આ દરમિયાન મહેન્દ્રએ યુવતી પર દાનત બગાડી હતી અને તેને સાથે મીઠી મીઠી વાતો કરી મળવા માટે બોલાવી હતી અને ત્યારબાદ અલગ અલગ જગ્યા પર લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં આ બંનેના સંબંધની વાત યુવતીના કાકાને થઇ જતા યુવતીને વતન માતા-પિતા પાસે મોકલી દીધી હતી. પરંતુ મહેન્દ્રએ વતન સુધી પણ તેનો પીછો કરીને તેની સાથે વાત કરવાની ચાલુ રાખ્યું હતું.
જોકે બાદમાં યુવતીએ મહેન્દ્રનો ફોન ઉપાડવાનો બંધ કરી દેતા તેણે તેના કઝીન સાળા ધર્મેશભાઈ ધીરુભાઈ સાંખટ (રહે ઉગલા)ને યુવતીના ખેતર સુધી મોકલ્યો હતો. જ્યાંથી ધર્મેશ યુવતીને મહેન્દ્ર સાથે વાતચીત કરાવી હતી જોકે ત્યારબાદ મહેન્દ્રએ યુવતીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું અને જો તું મારા કઝીન સાળા ધર્મેશ સાથે શારીરિક સંબંધો નહીં બાંધે તો હું તારા ફોટો અને વિડિયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી ધર્મેશ એ પણ તકનો લાભ ઉઠાવી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે આખરે ભોગ બનનાર યુવતીએ ગીર ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાંથી હાલમાં વરાછા પોલીસમાં ફરિયાદ મોકલવામાં આવતા પીઆઈ એચ.બી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોડીરાત્રે મહેન્દ્રને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે