ગીર સોમનાથ, 5 જુલાઈ (હિ.સ.) વેરાવળ શહેરના હરસિધ્ધિ અર્બન સેન્ટર ખાતે સગર્ભા બહેનોની નિયમિત તપાસ કરવામાં આવે છે. જેમાં ઓછું વજન ધરાવતી બહેનોને જરૂરી સારવાર, દવા સાથે પૂરતું પોષણ મળી રહે તે માટે અર્બન સેન્ટરના ડોક્ટર અને તેમની ટીમ દ્વારા ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.
હરસિધ્ધિ અર્બન સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ.નૈસર્ગી પરમારે જણાવ્યું હતું કે, અર્બન સેન્ટર ખાતે સગર્ભા બહેનોની નિયમિત તપાસ કરી જરૂરી સારવાર અને દવા આપવામાં આવે છે. આ તપાસ દરમિયાન ૧૩ જેટલી સગર્ભા બહેનોનું વજન ઓછું હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઓછા વજનને કારણે ડિલિવરીમાં તકલીફ થઇ શકે છે અને માતા-બાળક બન્નેના જીવને જોખમ રહે છે. ઓછા વજન ધરાવતી ૧૩ જેટલી સગર્ભા બહેનોની યોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૩ સગર્ભા બહેનોને રાશન કીટ આપવામાં આવી હતી અને આ સગર્ભા બહેનોની ડિલિવરી ન થાય ત્યાં સુધી દત્તક લઇ પૂરતાં પોષણ માટે રાશન કીટ આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ