પાટણ, 8 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં આગામી સપ્તાહ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અનુસંધાને નગરપાલિકા એલર્ટ મોડમાં આવી છે અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલે પાંચ મુખ્ય અધિકારીઓને વિશેષ જવાબદારીઓ સોંપી છે. તમામ અધિકારીઓએ રજા મંજૂર કરાવ્યા વગર હેડક્વાર્ટર ન છોડવાનું અને 24 કલાક પોતાનો મોબાઈલ ચાલુ રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
સિવિલ એન્જિનિયર મોનિલ પટેલને વરસાદી પાણીની લાઈનોની સફાઈ અને ભુવા પુરવાની જવાબદારી આપવામાં આવી છે. વોટર વર્ક્સ ક્લાર્ક ભરત મોદીને શહેરના પાણી પુરવઠા અને ક્લોરિનેશનની કામગીરી સાથે નીચાણવાળા વિસ્તારોમાં ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપાઈ છે.
સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને શહેરમાં સફાઈ ઝુંબેશ અને રોગચાળા નિવારણની કામગીરી સોંપવામાં આવી છે. ઢોર ડબ્બા શાખાના હિમાંશુ સોલંકી રખડતા ઢોર પકડવાની કામગીરી સંભાળશે. જ્યારે સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ મોદીને ફાયર ટીમ અને તરવૈયાઓની ટીમને સજ્જ રાખવાની તેમજ 24x7 કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની જવાબદારી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર