ભુજ - કચ્છ, 8 જુલાઈ (હિ.સ.)
નકલી ચલણી નોટના કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં કચ્છની માંડવી કોર્ટે પોલીસ સબ ઇન્સ્પેકટર સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. રૂપિયા 9 લાખનો તોડ કરવામાં પોલીસ કર્મચારી ઉપરાંત અન્ય ત્રણ કર્મચારીને અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી છે.
સાડા છ વર્ષ જૂના કેસમાં સ્ટેટ આઇબીના આરોપી પીએસઆઇ સુનિલકુમાર દલસુદ વૈષ્ણવ ઉપરાંત અન્ય ત્રણ આરોપીએ પાસેથી રૂપિયા ત્રણ લાખ કઢાવવા જતાં નકલી નોટના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ચારેય જણે રૂપિયા 9 લાખ પડાવી લીધા હતા.
માંડવીના નાગલપર વિસ્તારના બિલ્ડર 34 વર્ષના દેવરાજ ખીમજી હિરાણીને તેની સાઇટ ઉપર કામ કરતા ભરત મહેશ્વરીએ કોડાયમાં રહેતો અકબરશા એકના ડબલ કરી આપે છે. એક મહિના માટે કુલ રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા. જોકે મહિના બાદ આ રકમ આપવાનો નન્ન ભણીને કહ્યું કે જેને રૂપિયા આપ્યા હતા તે માણસ રકમ લઇને ભાગી ગયો છે.
દેવરાજભાઇને સમય જતાં ખબર પડી કે અકબરશા વલીશા સૈયદ અને તેમની ટીમ ચીટર ટોળકી છે. દરમિયાન, સ્ટેટ આઇબીના માંડવીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ વૈષ્ણવના ધમકીભર્યા ફોન શરૂ થયા હતા અને2015ની નકલી નોટ અકબરશાની પૂછપરછમાં મળી છે એમ જણાવ્યું હતું.
નકલી નોટના મામલે હેરાનગતિ
પોલીસ મથકે બોલાવ્યા બાદ નકલી નોટની તપાસની વાતથી તેઓ ભયમાં મૂકાયા હતા. પોલીસની બીક બતાવવા માટે સલીમ નામનો માણસ પહોંચ્યો હતો અને ફરીથી દેવરાજને બોલાવ્યો હતો. જોકે ફરિયાદી ત્યાં ગયા ન હતા. છેવટે પીએસઆઇ સામેથી દેવરાજ હિરાણીને મળવા આવ્યો હતો અને જેલમાં જવું છે કે, તોડ કરવો છે એમ ધમકાવીને વાત કરી હતી. તોડ કરવાના વૈષ્ણવે રૂપિયા 15 લાખ માગ્યા હતા અને 9 લાખમાં નક્કી થયું હતું. આ પ્રકરણમાં છૂટક છૂટક રૂપિયા 3 લાખ આપવામાં આવ્યા હતા. તેની વચ્ચે જમીનના કોઇ પ્રકરણમાં આ મામલો બહાર આવ્યો હતો.
આખરે પોલીસ ફરિયાદ બાદ કેસ ચાલ્યો.
મામલો બહાર આવતાં 17મી નવેમ્બર 2018ના દેવરાજ હિરાણીએ ભરત મહેશ્વરી, અકબરશા સૈયદ, પીએસઆઇ સુનિલકુમાર વૈષ્ણવ, મામદ ઉર્ફે કિંગ ઉમર જત, મામદ હિંગોરજા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી. માંડવી ફર્સ્ટ કલાસ કોર્ટમાં આ કેસ ચાલી જતાં આરોપીઓને ત્રણ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને પાંચથી દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એપીપી ડી.સી. ઠાકોર કાર્યવાહીમાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA