પાટણ, 8 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે સમસ્યા નિવારણ મંચ દ્વારા નગરપાલિકાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો જેમ કે ગુરુ મહારાજ દેવશંકર બાપા આશ્રમ, સંત બેચર સ્વામી રાવત રામજી મંદિર, સંત પૂનમનાથ બાપુ આશ્રમ અને બિંદુ સરોવર ખાતે દેશભરમાંથી ભક્તો ઉમટી પડે છે.
આ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે બિંદુ સરોવર, રુદ્રમાળ અને અન્ય મંદિરોની આસપાસ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા તથા સમારકામ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ મંદિરો અને નદી કિનારાઓની આસપાસ વિશેષ સફાઈ અભિયાન ચલાવવાની માંગ છે.
રખડતા પશુઓને દૂર કરવા માટે ગૌશાળા અને પશુ નિયંત્રણ માટે નગરપાલિકા સ્ટાફની નિમણૂક કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત અલ્પેશ સોલંકી દ્વારા કરવામાં આવી છે. તેમણે શહેરની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ પણ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર