અમરેલી 8 જુલાઈ (હિ.સ.)
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર આજે સમગ્ર ગુજરાત સાથે દેશભરમાં લોખંડ ઉદ્યોગ માટે જાણીતું છે. ખાસ કરીને ખેત ઓજારો બનાવટ ક્ષેત્રે સાવરકુંડલાએ પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. અહીં બનેલા દાંતી, પાવડા, હળ, રાપ અને પાંચિયા જેવા ઓજારો ખેતી માટે જરૂરી સાધનોમાં પ્રખ્યાત છે. .
સાવરકુંડલામાં મોટા પ્રમાણમાં લોખંડ આધારિત ઉદ્યોગો કાર્યરત છે. અહીંના વેપારીઓ ખેત ઓજારોની બનાવટ કરતા અને તેનો વેપાર ગુજરાતભરમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ કરે છે. શહેરમાં વજન કાંટા, ઓજારોના ભાગો અને લોખંડના સામાનના અનેક કારખાનાઓ આવેલ છે, જે દિવસેને દિવસે વિકસિત થઈ રહ્યા છે.
અલ્પેશભાઈ પાનસુરીયા, જેમની ઉંમર હાલમાં 42 વર્ષ છે, છેલ્લા દસ વર્ષથી સાવરકુંડલામાં ખેત ઓજારોના ઉદ્યોગમાં સક્રિય છે. તેઓ મીની ટ્રેક્ટર તેમજ મોટા ટ્રેક્ટર માટેના દાંતી, પાવડા, હળ, રાપ અને પાંચિયા જેવા સાધનો બનાવે છે. ઉપરાંત, તેઓ સનેડા માટેના ટ્રેલરો પણ તૈયાર કરે છે. તેમની મેન્યુફેકચરિંગ યૂનિટમાં હાલ 10 લોકોને રોજગારી આપવામાં આવે છે, જે આ ઉદ્યોગ માટે સ્થાનિક સ્તરે રોજગાર સર્જનનું ઉત્તમ ઉદાહરણ છે.
અલ્પેશભાઈ જણાવે છે કે મીની ટેકટરના દાંતી, પાવડા, રાપ અને પાંચિયા ₹10,000 થી ₹12,000 સુધીના હોય છે, જ્યારે મોટા દાંતી પાવડા માટે લગભગ ₹20,000 સુધી ભાવ હોય છે. એક સાધન તૈયાર કરવામાં આશરે ચાર કલાક જેટલો સમય લાગે છે. ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઓર્ડર પ્રમાણે ઓજારોનું વિતરણ કરવામાં આવે છે.
વિતરણ સંદર્ભે તેમણે જણાવ્યું કે દર વર્ષે આશરે 1200થી 1300 ઓજારોનું વેચાણ થાય છે. દરેક સાધન ઉપર રૂ. 1000 થી 2000 સુધી નફો પ્રાપ્ત થાય છે. માર્કેટની માંગ પ્રમાણે નફામાં વધારો કે ઘટાડો થતો હોય છે. તેમની ઉદ્યોગસાહસિકતાની મદદથી રાજ્યમાં ખેત ઉદ્યોગને નવી દિશા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek