પાટણ, 10 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દહેજની માગણી અને ત્રાસ આપવાના મામલે પતિ સહિત સાત સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, ઘરકામ અને પુત્રના જિયાણામાં સાસરિયાંઓએ સોના-ચાંદીના ઘરેણાંની માગણી કરી હતી. મહિલાના પિતા પાસેથી સોનાની બુટ્ટી, કડી, પગની શેરૂ અને ચાંદીની લકીઓ પણ પડાવી લેવામાં આવી હતી.
મહિલાને તેના ભત્રીજીના કપડાંની બાબત અને ભાણીને રમાડવા જેવી નાની વાતો પર ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ પણ સાસરિયાંઓની ઉશ્કેરણી હેઠળ મહિલાને શારીરિક હિંસા પહોંચાડી હતી અને અંતે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
આરોપીઓએ મહિલા અને તેના પરિવારજનોને ધમકી આપી કે જો તેણીને પાછી ન મોકલાય તો તેઓ કોઈપણ હદે જઈ શકે છે. પોલીસે આ બનાવમાં ઈ.પી.કો. કલમ ૪૯૮(ક), ૫૦૬(૧), ૧૧૪ અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ ૩ તથા ૭ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર