સુરત, 8 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ ઉધના-નવસારી રોડ પર કલરવાળું પાણી ભરાતા ચિંતા વ્યાપી ગઈ છે. આ ઘટનાનો વિડીયો અને અહેવાલ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું.
મેળવાઈ રહેલા વિગતો અનુસાર, કેટલાક ડાઈંગ યુનિટ્સ ગેરકાયદે રીતે રંગીન અને કેમિકલયુક્ત પાણી નિકાળીને ખુલ્લી નાળીઓ અને ખાડીમાં છોડતા હતા. ત્યારે GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)એ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મમતા અને તાપી ડાઈંગના ડ્રેનેજ કનેક્શન તોડી નાખવામાં આવ્યા છે. તેમજ ક્રિષ્ના પ્રોસેસ, શક્તિ ડાઈંગ અને રાજ ટેક્સટાઇલથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ અને પરિવેશ પ્રેમીઓએ GPCBના અધિકારીઓ વિરુદ્ધ બેદરકારીના આક્ષેપો કરતાં કહ્યું હતું કે, અગાઉથી ફરિયાદ હોવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું. હવે મીડિયા દબાણ બાદ માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિક ધારાસભ્ય અને મેયરના દબાણ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ વિસ્તારોમાં રાહત લાવતી સ્થાયી વ્યવસ્થાની જરૂરિયાત છે એવી માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે