ભુજ-કચ્છ, 8 જુલાઈ (હિ.સ.) ૧૨મી જુને અમદાવાદમાં મેઘાણીનગર પાસે એર ઇન્ડિયાના વિમાનના અકસ્માત બાદ ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક ધોરણે સુરક્ષાના પગલાઓ ભરાઇ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લાના સંવેદનશીલ ભુજ એરપોર્ટ ઉપર પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ખાસ કરીને આવી દુર્ઘટના ન બને તે માટે એરસ્ટાફન સજ્જતા પણ મોકડ્રીલના માધ્યમથી ચકાસવામાં આવી હતી. સોમવારે કરેલી મોકડ્રીલમાં ભુજ એરપોર્ટ ઓથોરિટી અને ભારતીય વાયુસેના દ્વારા ભુજથી સાત કિ. મી. દૂર પાલારા નજીક પ્લેન ક્રેશ થવાની ઘટનાની સજ્જતા જોવાઇ હતી. તંત્રોના તાલમેલની કસોટી કરાઇ હતી.
મોકડ્રીલનો મુખ્ય હેતુ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો રાહત, બચાવ અને તાત્કાલિક સારવાર જેવી કામગીરીમાં બધા તંત્રો વચ્ચે તાલમેલ કેવી રીતે જાળવી શકાય તેનું પરિક્ષણ કરવાનો હતો. સીઆઈએસએફ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ, વાયુસેના, ફાયર વિભાગ સહિત જોડાયા હતા. ડમી વિમાન દુર્ઘટનામાંથી બચાવ કામગીરી, ઘાયલોને સારવાર માટે લઈ જવાની તાત્કાલિક વ્યવસ્થા, સુરક્ષા તથા સંકલન પર વિશેષ ધ્યાન રખાયું હતું. ભુજ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશક નવીનકુમાર સાગરે મોકડ્રીલ અંગે સંકલનની ભૂમિકા વર્ણવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA